મુંબઈ અને તેના આસપાસના વિસ્તારોમાં રાતભર ભારે વરસાદને કારણે ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને અંધેરી, બાંદ્રા, ખાર, માલાડ, ગોરેગાંવ, જુહુ અને વર્સોવા જેવા વિસ્તારોમાં વરસાદની વ્યાપક અસર જોવા મળી રહી છે. આંકડાઓ મુજબ મુલુંડમાં 160 મીમી (6.3 ઈંચ), વરસોવામાં 157 મીમી, (6.18 ઈંચ), માનખુર્દમાં 123 મીમી (4.84 ઈંચ), પંવઈમાં 122 મીમી (4.8 ઈંચ), ભાંડુળમાં 120 મીમી (4.72 ઈંચ) અને મરોલ અને ઓશીવારામાં 108 મીમી વરસાદ નોંધાયો હતો. દક્ષિણ અને મધ્ય મુંબઈમાં વરસાદ પડયો હતો. માડુંગામાં 43, દાદરમાં 45 મીમી, મલવાર હિલમાં 37 મીમી અને મુંબઈ સેન્ટ્રલમાં 34 મીમી વરસાદ નોંધાયો હતો.
વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર પણ પાણી ભરાઈ જવાના કારણે વાહનોની ગતિ ધીમી પડી ગઈ હતી. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ના જણાવ્યા અનુસાર, પૂર્વ અને પશ્ચિમ મુંબઈને જોડતા મુખ્ય માર્ગ એવા અંધેરી સબવેમાં ભારે પાણી ભરાઈ જતાં તેને વાહનોની અવરજવર માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. દર વર્ષે ચોમાસામાં અંધેરી સબવેમાં પાણી ભરાવા એ એક જૂની અને ગંભીર સમસ્યા રહી છે.
શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે કોઈ પણ અપ્રિય ઘટના કે અકસ્માતને રોકવા માટે તંત્ર દ્વારા વહેલી સવારે 1:45 વાગ્યાથી જ અંધેરી સબવે ખાતે વાહનવ્યવહાર રોકી દેવાયો છે અને સબવેની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. એક તરફ આ આકરા વરસાદથી મુંબઈગરાઓને બફારા અને અસહ્ય ગરમીથી મોટી રાહત મળી છે, તો બીજી તરફ વહેલી સવારે ઓફિસ અને ધંધા-રોજગાર માટે નીકળેલા નોકરિયાત વર્ગને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા મુંબઈ અને તેની આસપાસના વિસ્તારો માટે આજે પણ વરસાદનું ’યેલો એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ, મુંબઈ સહિત મહારાષ્ટ્રના અનેક ભાગોમાં ગાજવીજ અને તેજ પવનો સાથે હજુ પણ ભારે વરસાદ પડી શકે છે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે ચોમાસું તેના નિયત સમય કરતાં 13 દિવસ મોડું મુંબઈ પહોંચ્યું છે.
