દ.ગુજરાતમાં સવારથી મેઘરાજા બેફામ, ચીખલી-કડીમાં બે કલાકમાં આઠ ઈંચ

મેઘરાજાએ આજે સવારે 6 વાગ્યા બાદ દક્ષિણ ગુજરાતમાં મુકામ કર્યો હોય તેમ નવસારી જિલ્લાના ચીખલીમાં સવારે 8 થી 10 વાગ્યા વચ્ચે ધોધમાર 8 ઈંચ વરસાદ…

મેઘરાજાએ આજે સવારે 6 વાગ્યા બાદ દક્ષિણ ગુજરાતમાં મુકામ કર્યો હોય તેમ નવસારી જિલ્લાના ચીખલીમાં સવારે 8 થી 10 વાગ્યા વચ્ચે ધોધમાર 8 ઈંચ વરસાદ ખાબકયો હતો. જ્યારે કડીમાં પણ 8 ઈંચ, વલસાડમાં 7 ઈંચ, ગણદેવીમાં 6.65 ઈંચ, ડાંગમાં પાંચ, ડોલવાણમાં 4.37, વધઈમાં 4.21 ખેરગ્રામમાં 4 ઈંચ, અંબીકા વાંસદા અને નાના પોંઢામાં 3.31 ઈંચ વરસાદ ખાબકી ગયો છે. સવારે 6 થી 10 વચ્ચે કુલ 39 તાલુકામાં મેઘરાજાની હાજરી છે અને અનેક વિસ્તારોમાં હળવો ભારે વરસાદ પડી રહ્યો છે.

ચીખલીમાં માત્ર બે કલાકમાં 8 અને વલસાડમાં 7 ઈંચ જેટલો વરસાદ નોંધાતા શહેર અને આસપાસના વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદના કારણે વલસાડ શહેરના મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ભારે વરસાદ અને હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને વલસાડ, ધરમપુર અને કપરાડા તાલુકાની તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. મહેસાણા જિલ્લાના કડી શહેરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગે જનજીવનને અસ્તવ્યસ્ત કરી દીધું છે. રાત્રે માત્ર બે કલાકમાં 8 ઈંચ જેટલો વરસાદ ખાબકતા સમગ્ર શહેર પાણી-પાણી થઈ ગયું છે. ભારે વરસાદના કારણે અનેક રહેણાંક વિસ્તારોમાં પાણી ઘૂસી જતાં લોકોની મુશ્કેલીઓમાં વધારો થયો છે.

મળતી માહિતી મુજબ કરણનગર રોડ વિસ્તારમાં આવેલી 25થી વધુ સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. જયગુરુદેવ સોસાયટી, એટલાન્ટા પાર્ક સોસાયટી સહિત અનેક રહેણાંક વિસ્તારોમાં પાણી ઘરો સુધી પહોંચી ગયું હતું. સુજાતપુરા રોડ પર આવેલી અનેક સોસાયટીઓમાં પણ મકાનોમાં પાણી ઘૂસી જતાં પરિવારોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.