ગુજરાત
108નો મેગા પ્લાન: 838 એમ્બ્યુ., 38 ICU ઓન વ્હિલ, 1 હેલિકોપ્ટર તૈનાત
તહેવારોમાં વધતા અકસ્માતો અને દાઝી જવાના કેસો ધ્યાને લઇ આરોગ્યતંત્ર એલર્ટ
ગુજરાતભરમાં બ્લેક સ્પોટ આઇડેન્ટિફાઇ કરાયા, દવા સહિતની આગોતરી વ્યવસ્થા
ગુજરાતમાં સામાન્ય રીતે દિવાળીના તહેવાર દરમિયાન આગ-અક્સ્માતના બનાવમાં વધારો જોવા મળતો હોય છે. આગ-અકસ્માતના કેસોમાં અંદાજિત 16 ટકાનો વધારો થતો હોય છે. આ સ્થિતિને પહોંચી વળવા માટે 108 ઈમર્જન્સી સેવાએ પણ પ્લાન તૈયાર કરી નાખ્યો છે. આ માટે 838 એમ્બ્યુલન્સ, 38 આઇસીયુ ઓન વ્હીલ, 2 બોટ અને 1 એર એમ્બ્યુલન્સ કાર્યરત રહેશે.
108 ઇમર્જન્સી સેવાના સીઇઓ જશવંત પ્રજાપતિએ જણાવ્યું હતું કે સામાન્ય દિવસોમાં 4,000થી 4500 જેટલા કેસો આવતા હોય છે. ચાલુ વર્ષે દિવાળી અને પડતર દિવસે સામાન્ય 2.5 ટકા કેસ વધી શકે છે. નવા વર્ષ એટલે કે બેસતા વર્ષે ઇમર્જન્સી કોલમાં 16 ટકા વધારો થાય છે. ભાઈ બીજના દિવસે 13 ટકા વધારો થાય તેમ છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે દિવાળીના તહેવારો દરમિયાન આગ, અકસ્માત, મારામારી, પડવાના અને શ્વાસના કેસ વધુ હોય હોય છે. દાઝી જવાના કેસમાં એક દિવસમાં 475 ટકા વધારો થતો હોય છે. નવા વર્ષ અને ભાઈ બીજના દિવસે 200થી 150 ટકાનો વધારો નોંધાય છે.
દિવાળીના તહેવાર સમયે અરવલ્લી, મહીસાગર, મહેસાણા, છોટાઉદેપુર, દાહોદમાં વધુ કેસ જોવા મળે છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટમાં બ્લેક સ્પોટ આઇડેન્ટિફાય કર્યા છે. બ્લેક સ્પોટ પર બંદોબસ્ત, બમ્પ, સિગ્નલ, સાઈન બોર્ડ મૂકવાની પણ વ્યવસ્થા કરાઈ છે. તહેવારમાં બહાર જતા ઓવરસ્પીડના કેસ જોવા મળતા હોય છે. 75 ટકા કેસ રોડ અકસ્માતના જોવા મળતા હોય છે. અકસ્માતમાં હેલ્મેટ વગરના કેસ વધુ હોય છે
રાજ્યમાં ઇમર્જન્સી 108 સેવા માટે 838 એમ્બ્યુલન્સ, 38 આઇસીયુ ઓન વ્હીલ, બે બોટ અને એક એર એમ્બ્યુલન્સ કાર્યરત છે. તહેવાર દરમિયાન ઇમર્જન્સી સેવામાં વધારાને લઈને સ્ટાફ પણ ફાળવવામાં આવ્યો છે.
એમ્બ્યુલન્સમાં દવા અને અન્ય વ્યવસ્થા પણ કરી દેવાઈ છે. તહેવાર સમયે હોસ્પિટલ સાથે સંકલન કરી કેસ હેન્ડલ કરવામાં આવે છે. સાંજના સમયે આ અકસ્માતના કેસો વધારે આવતા હોય છે. દિવાળીના તહેવાર દરમિયાન વધતા જતા આગ-અકસ્માતના કેસમાં વધારો જણાય છે, ત્યારે લોકોને સાવચેતી જાળવવા માટે પણ અપીલ કરવામાં આવી છે. દાઝી જવાના કેસમાં એક દિવસમાં 475 ટકા વધારો થતો હોય છે.