દ્વારકા જિલ્લાના સાગરકાંઠે મરીન કમાન્ડોનું મેગા પેટ્રોલિંગ

વેસ્ટ એશિયામાં પ્રવર્તી રહેલી તણાવપૂર્ણ ભૂરાજકીય પરિસ્થિતિ વચ્ચે દેશની દરિયાઈ સુરક્ષાને લઈને સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની છે. જેના ભાગરૂૂપે દેશના છેવાડાના એવા દેવભૂમિ દ્વારકા…

વેસ્ટ એશિયામાં પ્રવર્તી રહેલી તણાવપૂર્ણ ભૂરાજકીય પરિસ્થિતિ વચ્ચે દેશની દરિયાઈ સુરક્ષાને લઈને સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની છે. જેના ભાગરૂૂપે દેશના છેવાડાના એવા દેવભૂમિ દ્વારકા જિલ્લાના સંવેદનશીલ દરિયાકાંઠા અને ટાપુના વિસ્તારોમાં ઓખા મરીન ટાસ્ક ફોર્સ દ્વારા વિશેષ સઘન કોસ્ટલ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

ઓખાનો દરિયાકાંઠો બંદરો, જેટીઓ, ઔદ્યોગિક એકમો તથા અન્ય વ્યૂહાત્મક મહત્વ ધરાવતાં સ્થળોને કારણે સુરક્ષાની દૃષ્ટિએ અત્યંત સંવેદનશીલ ગણાય છે. આથી સુરક્ષા એજન્સીઓ દ્વારા નિયમિત પેટ્રોલિંગ ઉપરાંત આવા વિશેષ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યા છે.

તે અંતર્ગત દ્વારકા તાલુકામાં રવિવારે બેટ વિસ્તારમાં આવેલા રિસોર્ટ સાઇટ, ડન્ની પોઇન્ટ, એન.સી.સી. કેમ્પ, સુદર્શન પાર્કિંગ વિસ્તાર, બુટ ભવાની મંદિર, નેતરનો પુલ, મીઠાપુર ચોપાટી, જંગલેશ્વર મહાદેવ, કોસ્ટગાર્ડ રિઅર સાઇડ સહિતના દરિયાકાંઠા તથા ટાપુના વિસ્તારોમાં મરીન કમાન્ડોની ટીમોએ પગપાળા તેમજ બોટ પેટ્રોલિંગ કરી સઘન ચકાસણી હાથ ધરી હતી. દરિયાઈ માર્ગે ગેરકાયદેસર પ્રવૃત્તિ, ઘૂસણખોરી, હથિયારો કે નશીલા પદાર્થોની હેરાફેરી સહિતની કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિને અટકાવવાના હેતુથી આ કાર્યવાહી કરવામાં આવી હતી.

એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (એટીએસ) અને કોસ્ટલ સિક્યુરિટીના અધિક પોલીસ મહાનિદેશક અમિતકુમાર વિશ્વકર્માના સીધા માર્ગદર્શન હેઠળ તેમ જ દરિયાઈ સુરક્ષા અને મરીન ટાસ્ક ફોર્સના નાયબ પોલીસ મહાનિરીક્ષક એ.એમ. મુનિયા અને મરીન ટાસ્ક ફોર્સ, હજીરાના પોલીસ અધિક્ષક એસ.જે. પરમારના વડપણ હેઠળ તથા ઓખાના ડીવાયએસપી કે.પી. પારેખના માર્ગદર્શન હેઠળ આ પેટ્રોલિંગ હાથ ધરાયું હતું.

ઓખા મરીન ટાસ્ક ફોર્સ સેક્ટરના પી.એસ.આઈ. આર. કે. જાડેજા તથા પી.એસ.આઈ. બી.એચ. ચાવડા સહિત મરીન કમાન્ડોની ટીમોએ વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ કર્યું હતું. પેટ્રોલિંગ દરમિયાન દરિયાકાંઠા તથા ટાપુના નજીકની શંકાસ્પદ હિલચાલ, અજાણી વ્યક્તિઓ, બોટો તેમ જ અન્ય પ્રવૃત્તિઓ આ ઉપરાંત ફિશ લેન્ડિંગ પોઇન્ટ, માછીમારી કેન્દ્રો, જેટીઓ, ઔદ્યોગિક સ્થાપનો તથા અવાવરું અને નિર્જન વિસ્તારોમાં પણ સઘન તપાસ કરવામાં આવી હતી. મરીન કમાન્ડોની અલગ-અલગ ટીમોને ચોક્કસ વિસ્તારોની જવાબદારી સોંપી સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવી હતી.