અરબી સમુદ્રમાં ગુજરાત ATS અને ભારતીય કોસ્ટ ગાર્ડે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. લક્ષદ્વીપની પશ્ચિમે અરબી સમુદ્રમાં એક શંકાસ્પદ ઈરાની જહાજને ટ્રેક કરવામાં આવ્યું હતું.ત્યારબાદ બોટને આંતરીને 526 કિલો હાઈ ગ્રેડ નશીલા પદાર્થો નો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. ઝડપાયેલા ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજિત કિંમત લગભગ 3 હજાર કરોડ રૂપિયા હોવાનું સામે આવ્યું છે.
ગુજરાત ATS ને ગુપ્ત બાતમી મળી હતી કે, દરિયાઈ માર્ગે કરોડો રૂપિયાનું ડ્રગ્સ ભારત કે આસપાસના વિસ્તારોમાં ઘૂસાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ બાતમીના આધારે કોસ્ટ ગાર્ડે દરિયામાં જહાજો અને હવામાં સર્વેલન્સ વિમાનો દ્વારા સઘન મોનિટરિંગ શરૂ કર્યું હતું. 25 સપ્ટેમ્બરે અરેબિયન સીમાં શંકાસ્પદ ઈરાની બોટ નજરે પડતાં જ કોસ્ટ ગાર્ડના જહાજે તેનો પીછો (‘હોટ પર્સ્યુટ’) કર્યો હતો. દરિયાની વચ્ચે જ બોટને ઘેરી લેવામાં આવી હતી અને કમાન્ડોએ બોટ પર ચડીને તલાશી લેતાં કોથળાઓમાં છુપાવેલું પ્યોર હેરોઇન અને મેથમફેટામાઇન મળી આવ્યું હતું. તપાસ દરમિયાન જહાજમાંથી 526 કિલોથી વધુ એમડી ડ્રગ્સ અને મેથામ્ફેટામાઈનનો જથ્થો મળી આવ્યો હતો.
આ ડ્રગ્સનો જથ્થો લક્ષદ્વીપથી મુંબઈ તરફ લઈ જવામાં આવી રહ્યો હોવાની માહિતી સામે આવી છે. ઓપરેશન દરમિયાન પાંચ શખસોને ઝડપી લેવામાં આવ્યા છે અને પ્રાથમિક તપાસમાં પાંચેય પાકિસ્તાની નાગરિક હોવાનું સામે આવ્યું છે.હાલ તમામ પાંચ આરોપીઓની પૂછપરછ ચાલી રહી છે અને ડ્રગ્સના આ નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય લોકો અંગે તપાસ એજન્સીઓ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
