PDU સિવિલ હોસ્પિટલના દર્દીઓના ભોજનની વ્યવસ્થાની સમીક્ષા કરતા મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ

રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા ગઇકાલે દરોડો પાડવામાં આવ્યા બાદ પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલ, રાજકોટ ખાતે સારવાર લઈ રહેલા દર્દીઓને આપવામાં આવતા ભોજનની ગુણવત્તા, સ્વચ્છતા તથા…

રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા ગઇકાલે દરોડો પાડવામાં આવ્યા બાદ પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલ, રાજકોટ ખાતે સારવાર લઈ રહેલા દર્દીઓને આપવામાં આવતા ભોજનની ગુણવત્તા, સ્વચ્છતા તથા વ્યવસ્થાની મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડો. કમલસિંહ ડોડીયા દ્વારા આજે સરપ્રાઇઝ મુલાકાત લઈ વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.

મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટએ હોસ્પિટલના દર્દીઓ માટે તૈયાર કરવામાં આવતા ભોજનની સમગ્ર વ્યવસ્થા અંગે સંબંધિત જવાબદાર કર્મચારીઓ પાસેથી વિગતવાર માહિતી મેળવી હતી. જેમાં ભોજનની તૈયારી, મેનુ, ગુણવત્તા, સ્વચ્છતા, સમયસર વિતરણ તથા દર્દીઓ સુધી ભોજન પહોંચાડવાની પ્રક્રિયા અંગે જાણકારી મેળવવામાં આવી હતી.

આ દરમિયાન ડો. કમલસિંહ ડોડીયા દ્વારા દર્દીઓ માટે તૈયાર કરવામાં આવેલ ભોજનનું જાતે જ નિરીક્ષણ કરી ભોજન પણ લીધું હતું, જેથી ભોજનની ગુણવત્તા અને સ્વાદ અંગે પ્રત્યક્ષ રીતે ખાતરી કરી શકાય. તેમણે દર્દીઓને આપવામાં આવતા ભોજનમાં સ્વચ્છતા, પૌષ્ટિકતા અને ગુણવત્તાના ધોરણો જળવાઈ રહે તેમજ દર્દીઓને સમયસર અને યોગ્ય ગુણવત્તાવાળું ભોજન મળી રહે તે અંગે જરૂૂરી સૂચનાઓ પણ આપી હતી. હોસ્પિટલ તંત્ર દ્વારા દર્દીઓને માત્ર શ્રેષ્ઠ તબીબી સારવાર જ નહીં પરંતુ તેમની મૂળભૂત જરૂૂરિયાતો અને સુવિધાઓનું પણ યોગ્ય ધ્યાન રાખવામાં આવે તે માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ સરપ્રાઇઝ મુલાકાતનો મુખ્ય હેતુ દર્દીઓ માટેની ભોજન વ્યવસ્થા દર્દીકેન્દ્રિત, ગુણવત્તાસભર અને સ્વચ્છ રહે તે સુનિશ્ચિત કરવાનો હતો.