રાજકોટમાં માનસિક તણાવથી કંટાળી મેડિકલ છાત્રનો ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત

અગાઉ પણ હોસ્ટેલથી નીકળી ગયા બાદ પરાપીપળિયા પાસેથી મળી આવ્યો હતો: મૃતક પાસેથી સ્યુસાઈડ નોટ મળી આવી, રાજસ્થાન રહેતા પરિવારને જાણ કરતાં રાજકોટ આવવા રવાના…

અગાઉ પણ હોસ્ટેલથી નીકળી ગયા બાદ પરાપીપળિયા પાસેથી મળી આવ્યો હતો: મૃતક પાસેથી સ્યુસાઈડ નોટ મળી આવી, રાજસ્થાન રહેતા પરિવારને જાણ કરતાં રાજકોટ આવવા રવાના

રાજકોટના જામનગર રોડ પર આવેલી એઈમ્સમાં અભ્યાસ કરતા તબીબી વિદ્યાર્થીએ પરપીપડીયા નજીક ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત કરી લીધાની ઘટના સામે આવી છે.રાજકોટની પ્રતિષ્ઠિત તબીબી સંસ્થા એઈમ્સ (AIIMS) માં અભ્યાસ કરતા મૂળ રાજસ્થાનના એક આશાસ્પદ વિદ્યાર્થીએ માનસિક બીમારીથી કંટાળીને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે.મૃતક વિદ્યાર્થીની ઓળખ રતનકુમાર મોહનલાલ મેઘવાળ તરીકે થઈ છે.જે એઈમ્સમાં મેડિકલનો અભ્યાસ કરી રહ્યો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર, રતનકુમાર મોહનલાલ મેઘવાળે(ઉ.26)આજે સવારે જામનગર રોડ પર આવેલા ઘંટેશ્વર અને પરપીપડીયા ગામ નજીકથી પસાર થતી ટ્રેન નીચે ઝંપલાવીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. ઘટનાની જાણ થતા જ રેલવે પોલીસ અને ગાંધીગ્રામ પોલીસ અને સ્થાનિક તંત્ર ઘટનાસ્થળે પહોંચી ગયું હતું.પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે વિદ્યાર્થી લાંબા સમયથી માનસિક બીમારી (ડિપ્રેશન) થી પીડાતો હતો અને આ બીમારીથી કંટાળીને તેણે આ અંતિમ પગલું ભર્યું હોવાનું મનાય છે.

ઉલ્લેખનીય છે કે, મૃતક વિદ્યાર્થી અગાઉ જાન્યુઆરી માસમાં પણ કોઈને કહ્યા વગર હોસ્ટેલ છોડીને રહસ્યમય રીતે નીકળી ગયો હતો.તે સમયે પણ પરિવાર અને કોલેજ પ્રશાસન ચિંતામાં મુકાયા હતા.ત્યારે તે પરા પીપળીયા પાસેથી મળી આવ્યો હતો.ત્યારે રતનકુમારે લખેલી નોટમાં એક મહિલા વિદ્યાર્થી માટે એકતરફી લાગણી અને કેટલાક અન્ય વિદ્યાર્થીઓ દ્વારા સતામણીનો ઉલ્લેખ હતો.આ ઘટના સૂચવે છે કે તે છેલ્લા કેટલાક સમયથી ગંભીર માનસિક તણાવમાં હતો.પોલીસ દ્વારા રાજસ્થાનમાં રહેતા તેના પિતા અને પરિવારજનોને આ કરુણ ઘટના અંગે જાણ કરવામાં આવી છે. એક આશાસ્પદ ડોક્ટર બનવાનું સપનું લઈને આવેલા યુવાનના આવા અંતથી એઈમ્સના અન્ય વિદ્યાર્થીઓ અને સ્ટાફમાં પણ શોકની લાગણી પ્રસરી ગઈ છે. હાલ ગાંધીગ્રામ પોલીસના સ્ટાફે આ મામલે વધુ તપાસ ચલાવી રહી છે.

એઈમ્સના સુત્રોમાંથી જાણવા મળ્યું હતું કે, અગાઉ રતનકુમારે જ્યારે આ પગલુ ભર્યુ હતું ત્યારે તેમના માતા-પિતાને બોલાવી કાઉન્સેલીંગ કરાવી રાજસ્થાન મોકલી દીધા હતાં ત્યારથી તેઓ રજા પર હતાં. હાલ અહિં કયારે આવી આ પગલું ભર્યુ એ અંગે અમને જાણ નથી.