અમીન માર્ગ પરના એવિક્સ જ્વેલર્સના રૂ.1.29 કરોડના દાગીના ઓળવી જનાર સૂત્રધાર પકડાયો

અમદાવાદના શખ્સની ધરપકડ, દાગીના ઓગાળી વેચી નાખ્યાની કબૂલાત: આરોપીઓમાં વધુ નામ ખુલવાની શકયતા રાજકોટ શહેરમાં ગુનાખોરી અને આર્થિક ગુનાઓની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે,…

અમદાવાદના શખ્સની ધરપકડ, દાગીના ઓગાળી વેચી નાખ્યાની કબૂલાત: આરોપીઓમાં વધુ નામ ખુલવાની શકયતા

રાજકોટ શહેરમાં ગુનાખોરી અને આર્થિક ગુનાઓની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે શહેરના પ્રતિષ્ઠિત અને પોશ ગણાતા અમીન માર્ગ પર એક ચોંકાવનારી છેતરપિંડીની ઘટના સામે આવી હતી.અમીન માર્ગ પર કાર્યરત ‘એવિક્સ જ્વેલર્સ’ નામના પ્રખ્યાત શોરૂમના સંચાલક સાથે ત્યાં જ કામ કરતા એક સેલ્સમેને લાખો-કરોડો રૂપિયાની ઠગાઈ આચરી હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો.આ સેલ્સમેને શોરૂમના સંચાલકનો વિશ્વાસ જીતીને સમયાંતરે અંદાજે રૂ. 1.29 કરોડની કિંમતના સોના-ચાંદીના દાગીના તેમજ કિંમતી ઘરેણાંની હેરાફેરી કરીને છેતરપિંડી આચરી હતી. જ્વેલર્સના માલિકને જ્યારે હિસાબ અને સ્ટોકમાં મોટી ગડબડ હોવાની શંકા ગઈ, ત્યારે આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો. વેપારીએ તુરંત જ આ મામલે પોલીસનો સંપર્ક સાધ્યો હતો અને માલવીયાનગર પોલીસ મથકમાં કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી. કરોડો રૂપિયાની ઠગાઈનો મામલો હોવાથી પોલીસે ઘટનાની ગંભીરતા સમજીને તુરંત જ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

આ કરોડો રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાતાની સાથે જ રાજકોટ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી. માલવીયાનગર પોલીસ મથકના પીઆઇ જે.એમ. કૈલાની સીધી રાહબરી અને માર્ગદર્શન હેઠળ એક ખાસ ટીમનું ગઠન કરવામાં આવ્યું હતું. આ ટીમમાં પીએસઆઇ આર.આર.કોઠીયા, પોલીસકર્મી કુલદીપસિંહ ગોહિલ અને મનસુરશા શાહમદારે ખૂબ જ સચોટ અને સક્રિય ભૂમિકા ભજવી હતી. પોલીસે બાતમીદારો અને ટેકનિકલ સોર્સની મદદથી તપાસ હાથ ધરીને ગણતરીના કલાકોમાં જ આ ગુનાના સૂત્રધાર અને એવિક્સ જ્વેલર્સના સેલ્સમેન એવા ગોપાલ રસિકલાલ સોનીની ધરપકડ કરી લીધી છે. ધરપકડ કરાયેલો આરોપી ગોપાલ સોની મૂળ અમદાવાદના નરોડા વિસ્તારનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. પોલીસે તેની અટકાયત કરીને કાયદેસરની પૂછપરછ હાથ ધરી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી ગોપાલ સોની જ્વેલર્સ શોરૂમમાં સેલ્સમેન તરીકે નોકરી કરતો હોવાથી ગ્રાહકોને દાગીના બતાવવા અને સ્ટોકની જાળવણી કરવાની જવાબદારી તેની પાસે હતી. આ બાબતનો ગેરફાયદો ઉઠાવીને તેણે સંચાલકોની નજર ચૂકવી લાખો રૂપિયાના દાગીના સેરવી લીધા હતા.તેમજ તપાસમાં જાણવા મળ્યું હતું કે ગોપાલ સાથે નિખિલ બંને સોનુ લઈ ઓગાળી નાખતા હતા અને વેચીને રોકડી કરી લેતા હતા.

હાલમાં માલવીયાનગર પોલીસના પીઆઇ જે.એમ. કૈલા, પીએસઆઇ કોઠીયા, કુલદીપસિંહ ગોહિલ અને મનસુરશા શાહમદારની ટીમ દ્વારા આરોપીની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આરોપીએ આચરેલી રૂ. 1.29 કરોડની ઠગાઈનો મુદ્દામાલ ક્યાં છુપાવ્યો છે અથવા કોને વેચ્યો છે. આ ગુનામાં અન્ય કોઈ વ્યક્તિ સામેલ છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ લંબાવી છે અને આગામી દિવસોમાં મોટો મુદ્દામાલ રિકવર થાય તેવી પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે.