ગુજરાતમાં શૈક્ષણિક પારદર્શિતા સામે હવે સવાલો ઊભા થઈ રહ્યા છે. વાત એમ છે કે, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) દ્વારા લેવાયેલી પરીક્ષામાં ચાર એન્જિનિયરિંગ કોલેજોમાં સામૂહિક ચોરી (માસ કોપી) પકડાઈ છે. GTU એ હાથ ધરેલી તપાસમાં આ ગેરરીતિ ખુલ્લી પડતા તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે અને પાંચેય કોલેજોમાં એકથી બે વર્ષ માટે પરીક્ષા કેન્દ્ર ફાળવવામાંથી સસ્પેન્ડ કરવામાં આવી છે.
આ મામલામાં રાજકોટની અર્પિત કોલેજ, સુરત જિલ્લાની માંડવી ઇન્સ્ટિટ્યૂટ, મહેસાણાના કડીની વી.કે. પટેલ કોલેજ અને જૂનાગઢના ગડુની દધિચી કોલેજનું નામ સામે આવ્યું છે.
ગુજરાતની ચાર એન્જિનિયરિંગ કોલેજો માસ કોપી કેસમાં ઝડપાઈ છે. પરીક્ષામાં પાસ કરાવવા માટે કોલેજો દ્વારા જ વિદ્યાર્થીઓને સામુહિક ચોરી કરાવવામાં આવતી હોવાનું ચોંકાવનારું કૌભાંડ સામે આવ્યું છે. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) દ્વારા કરવામાં આવેલી તપાસમાં આ મોટી ગેરરીતિ પકડાતા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
GTU ની પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ જ્યારે વિદ્યાર્થીઓની પુરવણીઓ તપાસવામાં આવી ત્યારે મોટાભાગના વિદ્યાર્થીઓનું લખાણ એકસરખું જોવા મળ્યું હતું. આ શંકાસ્પદ બાબત ધ્યાને આવતા પરીક્ષા કેન્દ્રોના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા. ફૂટેજમાં વિદ્યાર્થીઓ એકબીજાને સાહિત્ય આપતા અને મોબાઈલમાંથી જોઈને લખતા સ્પષ્ટ જોવા મળ્યા હતા. તપાસમાં સામે આવ્યું કે રાજકોટની અર્પિત કોલેજમાં પહેલા દિવસે 19 અને બીજા દિવસે 23 વિદ્યાર્થીઓ કોપી કરતા પકડાયા છે. જ્યારે સુરતની માંડવી ઇન્સ્ટિટ્યૂટના 41, કડીની વી.કે. પટેલ ડિપ્લોમા કોલેજના 13 અને ગડુંની દધીચિ ડિપ્લોમા કોલેજના 13 વિદ્યાર્થીઓ માસ કોપી કરતા ઝડપાયા છે.
વિદ્યાર્થીઓને ગેરરીતિ કરવા માટે છૂટો દોર આપવા બદલ જીટીયુ દ્વારા આ ચારેય કોલેજો સામે દાખલારૂૂપ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે. જે અંતર્ગત રાજકોટની અર્પિત કોલેજ અને સુરત જિલ્લાની માંડવી ઇન્સ્ટિટ્યૂટને બે-બે લાખ રૂૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે, તેમજ આગામી બે વર્ષ માટે આ બંને કોલેજોના પરીક્ષા કેન્દ્રો રદ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત, કડીની વી.કે. પટેલ કોલેજ અને ગડુની દધીચી કોલેજને એક-એક લાખ રૂૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે અને એક વર્ષ માટે તેમના પરીક્ષા કેન્દ્રો રદ કરવામાં આવ્યા છે.
કોલેજોની સાથે સાથે સામુહિક ચોરી કરનારા વિદ્યાર્થીઓ સામે પણ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા આકરી સજા ફટકારવામાં આવી છે. સમર સેમેસ્ટરની પરીક્ષામાં કોપી કરતા પકડાયેલા કુલ 333 વિદ્યાર્થીઓ પૈકી 274 વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી કરાઈ છે. જેમાંથી 196 વિદ્યાર્થીઓને બે સેમેસ્ટર માટે, 54 વિદ્યાર્થીઓને એક સેમેસ્ટર માટે, 2 વિદ્યાર્થીઓને ત્રણ સેમેસ્ટર માટે અને 1 વિદ્યાર્થીને ચાર સેમેસ્ટર સુધી પરીક્ષા ન આપવા માટે ડીબાર (સસ્પેન્ડ) કરવામાં આવ્યા છે. જ્યારે 19 વિદ્યાર્થીઓએ છેલ્લે આપેલી એક વિષયની પરીક્ષા આગામી સેમેસ્ટરમાં ફરીથી આપવી પડશે. સજા મેળવનાર આ વિદ્યાર્થીઓમાં સૌથી વધુ 204 વિદ્યાર્થીઓ ડિપ્લોમા એન્જિનિયરિંગના હોવાનું સામે આવ્યું છે.
