ધ્રાંગધ્રામાં પાડોશી સાથે કાર શીખવા ગયેલી પરિણીતાએ ડ્રાઇવિંગ પરનો કાબુ ગુમાવતા કાર જાહેરાતના હોર્ડિંગ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ગંભીરરીતે ઘવાયેલી પરિણીતાનું મોત નીપજ્યુ હતું. મૃતક પરિણીતાના પતિએ શંકા વ્યકત કરતા મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ધ્રાંગધ્રામાં હળવદ રોડ પર આવેલી રંજની સોસાયટીમાં રહેતી આરતીબેન અમરીશભાઇ ખરચરીયા નામની 30 વર્ષની પરિણીતા સાંજના પાંંચેક વાગ્યાના અરસામા પાડોશમાં રહેતા રક્ષીતભાઇ યાજ્ઞીકની કાર લઇને હળવદ રોડ પર જઇ રહી હતી ત્યારે આરતીબેને ડ્રાઇવિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. ગંભીરરીતે ઘવાયેલી પરિણીતાનું મોત નીપજતા પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક આરતીબેને સંતાનમાં એક પુત્ર છે. આરતીબેન પાડોશમાં રહેતા રક્ષીત યાજ્ઞીક સાથે કાર શીખવા માટે ગઇ હતી. રક્ષીત યાજ્ઞીકની કાર ચલાવતી વખતે આરતીબેને ડ્રાઇવિંગ પરનો કાબુ ગુમાવતા કાર જાહેરાતના હોડિર્ંગ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. મૃતક આરતીબેનેના શરીરના ભાગે વીખોડીયાના નીશાન જોવા મળતા પતિ અમરીશ ખરચરીયાએ રક્ષીત યાજ્ઞીક પર શંકા વ્યકત કરતા પોલીસે પરિણીતાના મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
