Site icon Gujarat Mirror

પરિણીત પ્રેમિકાએ સંબંધ ટૂંકાવી સમાધાન માટે દોઢ લાખ માગતા LLBના છાત્રએ ફિનાઈલ પીધું

શહેરમાં રૈયાધાર વિસ્તારમાં રહેતા અને એલએલબીના અભ્યાસ સાથે રિક્ષા ચલાવી પરિવારને આર્થિક મદદ કરતાં યુવકની રિક્ષામાં આવતી જતી પરિણીત પ્રેમિકા સાથે આંખ મળી જતાં બન્ને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. પતિથી અલગ રહેતી પરિણીતાએ પ્રેમી સાથે સંબંધ ટૂંકાવી સમાધાન માટે રૂા.દોઢ લાખની માંગણી કર્યાના આક્ષેપ સાથે યુવાને ફિનાઈલ પી લીધું હતું. યુવકની તબિયત લથડતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, શહેરમાં રૈયાધાર વિસ્તારમાં રહેતા અને એલએલબીના અભ્યાસ સાથે રિક્ષા ચલાવી પરિવારને આર્થિક મદદ કરતો યુવક પોતાના ઘરે હતો ત્યારે મધરાત્રે ફિનાઈલ પી લીધું હતું. યુવકને ઝેરી અસર થતાં તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરતાં યુનિવર્સિટી પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.

પ્રાથમિક પુછપરછમાં ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરનાર યુવાન એલએલબીનો અભ્યાસ કરે છે અને રીક્ષા ચલાવી પરિવારને આર્થિક મદદ કરે છે. જેતપુરમાં સાસરીયુ ધરાવતાં પરિણીતા તેના પતિને મુકીને રાજકોટમાં રૂમ રાખી એકલી રહે છે. પરિણીતા દરરોજ રિક્ષામાં બેસી આવતી જતી હતી તે દરમિયાન બન્નેએ મોબાઈલ નંબરની આપ-લે કરી હતી અને બન્ને એક બીજા સાથે વાતો કરતાં હતાં તે દરમિયાન બન્ને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો.

પાંચેક મહિનાના પ્રેમ સંબંધમાં ખટાસ આવતાં પરિણીત પ્રેમિકાએ સંબંધ ટૂંકાવી લીધો હતો અને પ્રેમિ વિરૂધ્ધ યુનિવર્સિટી વિસ્તારની શાંતિનગર પોલીસ ચોકીમાં અરજી કરી હતી. જે અરજીના સમાધાન પેટે પરિણીત પ્રેમિકાએ રૂા.દોઢ લાખની માંગણી કરતાં પ્રેમી યુવાને ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે યુનિવર્સિટી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version