અમરેલી એસઓજીને બાતમી મળી હતી કે લાઠી ગામથી ચાવંડ તરફ જવાના રસ્તે લાઠીના રહેવાસી ધીરુભાઈ લાખાભાઈ કોટડીયાની વાડીમાં ગેરકાયદેસર રીતે ગાંજાના છોડનું વાવેતર કરવામાં આવ્યું છે. આ બાતમીના આધારે પોલીસ ઈન્સપેક્ટર બી.જી. ઈશરાણી અને એસઓજી પોલીસ સબ ઈન્સપેક્ટર આર.જી. ચૌહાણ સહિતની ટીમે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પોલીસને ખેતરમાં વાવેલા ગાંજાના કુલ 6 નાના-મોટા લીલા છોડ મળી આવ્યા હતા. પોલીસે તે છોડનું વજન કરતા કુલ 12 કિલો અને 105 ગ્રામ હોવાનું સ્પષ્ટ થયું હતું. પોલીસે શખ્સ પાસેથી રોકડ રકમ સહિત કુલ રૂૂ.6,17,920ના મુદ્દામાલ સાથે ધીરુભાઈ લાખાભાઈ કોટડીયા (ઉ.વ.66)ને ઝડપી પાડી બાદમાં આરોપીને વધુ તપાસ માટે લાઠી પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો છે.
અગાઉ ધારી, અમરેલી અને બાબરા પંથકમાંથી ગાંજાનું વાવેતર ઝડપાયું હતું અમરેલી જિલ્લામાં ગાંજાના વાવેતરનું ચલણ વધી રહ્યું છે. અગાઉ ધારીમાં તો પોલીસ મથકની પાછળના ખેતરમાં જ મોટા પ્રમાણમાં ગાંજાનું વાવેતર ઝડપાયું હતું. તો બાબરામાં લીલવડા રોડ પર વાડીમાંથી ગાંજાનું વાવેતર ઝડપાયું હતું. અમરેલી તાલુકામાંથી પણ આવી જ રીતે ગાંજો ઝડપાયો હતો. લાઠીમાં અગાઉ કેરીયા રોડ પર વાવેતર ઝડપાયા બાદ હવે ચાવંડ રોડ પર લીલો ગાંજો પકડાયો છે.

