ગુજરાત
ઉનાળાના બદલે શિયાળામાં કેરી! પોરબંદરમાં 851 રૂપિયે કિલો વેચાઇ
ફળોનો રાજા એટલે કેરી અને તેમાં પણ જો શિયાળામાં કેસર કેરી મળી જાય તો મજા જ પડી જાય.. તો ખાવા માટે થઈ જાઓ તૈયાર કારણ કે, પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની આવક થઈ છે. ભાવ સાંભળીને આંખો પહોળી થઇ જશે.. પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં 1 કિલો કેસર કેરીનો 851 રૂપિયા ભાવ બોલાયો છે, એટલે કે, કેરીના 10 કિલોના બોક્સનું 8 હજાર 500 રૂપિયામાં વેચાણ થયું હતું.
દરવર્ષે વેપારી શિયાળાની ઋતુમાં પણ કેસર કેરીની હરાજી કરતા હોય છે, ત્યારે આ વર્ષે પણ માર્કેટમાં કેસર કેરી પહોંચી છે.
કેરીના રસિકો મોટા ભાગે ઉનાળામાં કેરીની રાહ જોતા હોય છે, પરંતુ પોરબંદરમાં ખેડૂતો શિયાળામાં પણ કેરી પકવતા થયા છે. આ વખતે વાતાવણમાં બદલાવ કે પછી અન્ય કોઈ કારણોસર ઉનાળાને બદલે ભર શિયાળે આંબામાં કેરીનો ફાલ આવતા કેરીના આંબા ધરાવતા ખેડૂતોથી લઈને વેપારીઓમાં કુતૂહલ જોવા મળી રહ્યો છે.
બાગાયત વિભાગના અધિકારીના નિવેદન મુજબ ગ્લોબલ વોર્મિંગની અસરના કારણે શિયાળામાં કેરી પાકતી હોય છે, જેના કારણે શિયાળામાં પણ કેરી માર્કેટમાં જોવા મળતી હોય છે. આપને જણાવી દઈએ કે, આ કેરી કરીમભાઈ નામના ફ્રૂટના વેપારીએ ખરીદી છે.
કેરીએ ઉનાળુ ફળ છે પરંતુ હવે શિયાળમાં પણ કેરી બજારમાં જોવા મળશે. વાતાવરણમાં બદલાવ કે ગ્લોબલ વોર્મિનગની અસર કે પછી અન્ય કોઈ કારણસર ઉનાળાને બદલે ભરશિયાળે કેટલાક આંબા પર ફાલ જોવા મળતા ખેડૂતોથી લઈને વેપારીઓમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે.