ભારતીય મહિલા ક્રિકેટમાં સ્મૃતિ મંધાના અને પ્રતિકા રાવલની જોડીએ વધુ એક મોટી સિદ્ધિ પોતાના નામે કરી છે. બંને ખેલાડીઓએ પોતાની શાનદાર બેટિંગના જોરે વનડે ક્રિકેટમાં ભારત માટે સૌથી વધુ ભાગીદારીના રન બનાવવાનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આ સાથે જ તેમણે પૂર્વ ભારતીય કેપ્ટન મિતાલી રાજ અને વર્તમાન કેપ્ટન હરમનપ્રીત કૌરની જોડીનો લાંબા સમયથી ચાલતો રેકોર્ડ પાછળ છોડી દીધો છે.
ઝિમ્બાબ્વે સામે વડોદરાના કોટંબી સ્ટેડિયમમાં રમાયેલી પ્રથમ વનડે મેચ દરમિયાન મંધાના અને પ્રતિકાએ આ સિદ્ધિ મેળવી હતી. બંને વચ્ચેની સતત સફળ ભાગીદારી ભારતીય મહિલા ટીમની બેટિંગની મજબૂતી દર્શાવે છે. અહેવાલ અનુસાર, સ્મૃતિ મંધાના અને પ્રતિકા રાવલે અત્યાર સુધી વનડે ક્રિકેટમાં 27 ઇનિંગ્સમાં સાથે બેટિંગ કરતાં કુલ 1,979 રન ઉમેર્યા છે. આ દરમિયાન તેમની ભાગીદારીની સરેરાશ 73.29 રહી છે. બંનેએ મળીને સાત વખત સદીની ભાગીદારી અને દસ વખત અડધી સદીની ભાગીદારી નોંધાવી છે.
ઝિમ્બાબ્વે સામેની મેચ પહેલાં આ રેકોર્ડ તોડવા માટે બંનેને માત્ર 94 રનની જરૂૂર હતી. પ્રથમ વિકેટ માટે 15.3 ઓવરમાં 94 રન ઉમેરતાં જ તેમણે નવો ઇતિહાસ રચ્યો. ખાસ વાત એ છે કે આ રેકોર્ડ સુધી પહોંચવા માટે મંધાના અને પ્રતિકાએ માત્ર 27 ઇનિંગ્સ લીધી, જ્યારે અગાઉની રેકોર્ડધારક જોડી મિતાલી રાજ અને હરમનપ્રીત કૌરે 56 ઇનિંગ્સમાં આ આંકડો નોંધાવ્યો હતો.
આ પહેલાં ભારતીય મહિલા વનડે ક્રિકેટમાં સૌથી વધુ ભાગીદારીના રન બનાવવાનો રેકોર્ડ મિતાલી રાજ અને હરમનપ્રીત કૌરના નામે હતો. બંનેએ સાથે રમતાં 56 ઇનિંગ્સમાં કુલ 1,978 રન બનાવ્યા હતા. તેમની ભાગીદારીની સરેરાશ 38.03 રહી હતી. આ જોડી વચ્ચે એક સદીની અને 17 અડધી સદીની ભાગીદારી થઈ હતી. હવે મંધાના અને પ્રતિકાએ માત્ર એક રનના તફાવતથી આ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. આ આંકડો કદાચ નાનો લાગે, પરંતુ લાંબા સમયથી ભારતીય મહિલા ક્રિકેટમાં ટકી રહેલા રેકોર્ડને પાછળ છોડવો મોટી સિદ્ધિ છે. સ્મૃતિ મંધાના પોતાના આક્રમક અને આકર્ષક બેટિંગ શૈલી માટે જાણીતી છે. બીજી તરફ, પ્રતિકા રાવલ પણ ઓપનિંગ બેટર તરીકે સતત પોતાની ક્ષમતા સાબિત કરી રહી છે. બંનેની રમતની શૈલી એકબીજાને પૂરક બને છે, જેના કારણે ટીમને શરૂૂઆતની ઓવરોમાં સ્થિરતા અને રન બનાવવાની ગતિ બંને મળે છે.
