મમતાએ નાટકો છોડી સુપ્રીમ કોર્ટમાં જવું જોઈએ

પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીનાં પરિણામ આવી ગયાં ને ભાજપને સ્પષ્ટ બહુમતી મળી ગઈ ત્યાં મમતા બેનરજીએ નવું નાટક આદર્યું છે. મમતા બેનરજીએ બંગાળનાં મુખ્યમંત્રીપદેથી રાજીનામું…

પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીનાં પરિણામ આવી ગયાં ને ભાજપને સ્પષ્ટ બહુમતી મળી ગઈ ત્યાં મમતા બેનરજીએ નવું નાટક આદર્યું છે. મમતા બેનરજીએ બંગાળનાં મુખ્યમંત્રીપદેથી રાજીનામું આપવાનો ઈનકાર કરી દીધો છે. મમતાનું કહેવું છે કે, ભાજપ ગરબડો કરીને જીત્યો છે અને પોતે ચૂંટણી હાર્યા નથી તેથી રાજીનામું નહીં આપે. મમતા રાજીનામું આપવાનો ઈનકાર કરીને વધુ એક તાયફો કરી રહ્યાં છે એ સ્પષ્ટ છે, કેમ કે મમતા રાજીનામું આપવાનો ઈન્કાર કરે તેનાથી કોઈ ફરક પડતો નથી.

મમતાએ રાજીનામું આપવાનો ઈનકાર કરીને બંધારણીય કટોકટી પેદા કરી દીધી છે એવી વાતો થાય છે પણ વાસ્તવમાં કોઈ બંધારણીય કટોકટી નથી. કોઈ પણ રાજ્યમાં વિધનાસભાની ચૂંટણી થાય પછી જૂની સરકારનું શું થશે એ વિશે આપણું બંધારણ બિલકુલ સ્પષ્ટ છે. આગલી સરકારનાં મુખ્યમંત્રી રાજીનામું આપવાની ઔપચારિકતા કરતાં હોય છે, બાકી આ ઔપચારિક્તા ના નિભાવે તો પણ એ દૂર જ થઈ જાય. બંધારણીય જોગવાઈઓને જોતાં મમતા રાજીનામું ના ધરે તેનાથી કોઈ ફરક પડતો નથી પણ સવાલ ફરક પડે કે ના પડે તેનો નથી પણ મમતાના વલણનો છે. મમતા પોતે હારી જ ના શકે એવું વલણ અપનાવીને બેઠાં છે એ હાસ્યાસ્પદ છે. મમતાએ કરેલા આક્ષેપો પણ હાસ્યાસ્પદ જ કહેવાય કેમ કે, ચૂંટણી પંચે કે ભાજપે ઈવીએમમાં ગરબડો કરી હોય કે બીજી ઘાલમેલ કરી હોય તેના કોઈ પુરાવા મમતાએ આપ્યા નથી. મમતાને ચૂંટણી પરિણામો સામે વાંધો હોય તો તેમની પાસે સુપ્રીમ કોર્ટમાં જવાનો વિકલ્પ ખુલ્લો જ છે ને આ બધાં નાટકો કરવાના બદલે મમતાએ એ વિકલ્પ અજમાવવો જોઈએ.

એસઆઇઆર મામલે મમતા સરકારની અરજી સુપ્રીમ કોર્ટમાં પડતર છે. એ વખતે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવેલા મતોની સંખ્યા જીતના અંતરથી ઓછી હશે તો કોર્ટ દખલ નહીં કરે કારણ કે તેમના કારણે પરિણામ પર અસર થતી નથી પણ દૂર કરવામાં આવેલા મતદારોની સંખ્યા જીતના અંતરથી વધારે હશે તો પોતે દખલ કરશે.અત્યારે જે સ્થિતી છે તેમાં મમતાની પાર્ટી સુપ્રીમ કોર્ટમાં પરિણામોને પડકારી શકે છે કેમ કે રાજ્યમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઈઆર) દ્વારા કુલ 91 લાખ મતદારો દૂર થયા જ્યારે ભાજપને ટીએમસી કરતાં 32 લાખ જેટલા વધારે મત મળ્યા છે.

સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઈઆર) દ્વારા દરેક બેઠક પર સરેરાશ 30 હજાર મતદારોના નામ દૂર થયાં છે જ્યારે ભાજપને દરેક બેઠક પર સરેરાશ 10,960 મત વધુ મળ્યા છે. કપાયેલા સરેરાશ મતદારો લગભગ ત્રણ ગણા છે એ જોતાં તૃણમૂલ કોંગ્રેસનો કેસ મજબૂત છે તેથી મમતાએ બધું છોડીને સુપ્રીમ કોર્ટમાં જવાની જરૂૂર છે.