ગુજરાતમાં ડ્રગ્સ માફિયાઓ સામે પોલીસને મોટી સફળતા મળી છે. સુરત અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની સંયુક્ત ટીમે અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર મોટી કાર્યવાહી કરી કરોડો રૂપિયાના ડ્રગ્સ સાથે ત્રણ શખસોને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી અંદાજે 25.5 કરોડ રૂપિયાની કિંમતનું MD ડ્રગ્સ અને હેરોઇન જપ્ત કર્યું છે. ઝડપાયેલા ત્રણેય આરોપીઓ અગાઉ પણ ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
સુરત અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર CTM ટોલનાકા નજીક સંયુક્ત દરોડો પાડવામાં આવ્યો હતો. રામોલ પોલીસ સ્ટેશનની હદમાં હાથ ધરાયેલી આ કાર્યવાહીમાં પોલીસે આંતરરાજ્ય ડ્રગ્સ નેટવર્ક સાથે સંકળાયેલા ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
પોલીસે આરોપીઓ પાસેથી આશરે અઢી કિલો MD ડ્રગ્સ જપ્ત કર્યું છે, જેની અંદાજિત કિંમત 3 કરોડ રૂપિયા થાય છે. આ ઉપરાંત સાડા ચાર કિલોથી વધુ હેરોઇન પણ કબજે કરવામાં આવ્યું છે, જેની કિંમત આશરે 22.5 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. આમ, કુલ 25.5 કરોડ રૂપિયાના નશીલા પદાર્થો જપ્ત કરવામાં આવ્યા છે.
ઝડપાયેલા આરોપીઓમાં નવી દિલ્હીના તિફેલ નોખેજ, મેરઠના મોહમ્મદ ઇમરાન અલ્વી અને નવી દિલ્હીના કફીલ અહેમદનો સમાવેશ થાય છે. પોલીસના જણાવ્યા મુજબ, આરોપીઓ અગાઉ પણ ડ્રગ્સની હેરાફેરી સહિતના ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા રહી ચૂક્યા છે.
ખાસ કરીને કફીલ અહેમદ અગાઉ ચરસ, MD ડ્રગ્સ અને એલ્પ્રાઝોલમના કેસમાં ઝડપાઈ ચૂક્યો હોવાનું સામે આવ્યું છે. જ્યારે તિફેલ નોખેજ પણ અગાઉ હેરોઇનની દાણચોરીના ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે.
હાલ પોલીસે કરોડો રૂપિયાના ડ્રગ્સનો જથ્થો કબજે કરી સમગ્ર નેટવર્કની તપાસ શરૂ કરી છે. આ ડ્રગ્સનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, કોને પહોંચાડવાનો હતો અને આ નેટવર્કમાં અન્ય કેટલા લોકો સામેલ છે, તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
