ભારતીય આધુનિક ચિત્રકળાના પિતામહ ગણાતા એમ. એફ. હુસૈન દ્વારા 1952માં દોરવામાં આવેલું પ્રખ્યાત તૈલચિત્ર ’ધ રેડ ગર્લ’ મુંબઈમાં પુંડોલ્સ આર્ટ ગેલેરી ખાતે યોજાયેલી નીલામીમાં રૂૂ. 65 કરોડની રેકોર્ડબ્રેક કિંમતે વેચાયું છે. ઓક્શન હાઉસ દ્વારા આ પેઇન્ટિંગની પ્રારંભિક કિંમત રૂૂ. 3 થી 5 કરોડ આંકવામાં આવી હતી, પરંતુ દેશ-વિદેશના કલાપ્રેમીઓ વચ્ચે જામવાના કારણે તે ધારણા કરતાં 13 ગણી વધુ કિંમતે વેચાઈને સમગ્ર હરાજીનું મુખ્ય આકર્ષણ બન્યું હતું.
આ ચિત્ર આટલી અસાધારણ કિંમતે વેચાવવા પાછળ તેના કલાત્મક અને ઐતિહાસિક મુલ્યો જવાબદાર છે. 1952માં એમ. એફ. હુસૈને તેમના સમકાલીન ચિત્રકાર એફ. એન. સૂઝા સાથે નવી દિલ્હીના નેશનલ મ્યુઝિયમની મુલાકાત લીધી હતી. ચિત્રની વિશિષ્ટ કલાત્મક શૈલી પણ આર્ટ કલેક્ટર્સને ખૂબ આકર્ષિત કરે છે. આ ચિત્રમાં દર્શાવાયેલી સ્ત્રીના નીચલા હાથ-પગ કપાયેલા એટલે કે ખંડિત દેખાય છે, જે પ્રાચીન સમયના ભગ્ન અવશેષો અને ઈતિહાસની ઝલક આપે છે. આ ઉપરાંત સ્ત્રીના કપાળ પર ચમકતી ટિલડી અને કમરપટ્ટો ભારતીય પૌરાણિક સંસ્કૃતિ અને મોર્ડનિઝમનું અનોખું મિશ્રણ રજૂ કરે છે.
આ ચિત્ર બોમ્બે પ્રોગ્રેસિવ ગ્રૂપના પ્રારંભિક આશ્રયદાતા અને કલાપ્રેમી ઈમેન્યુઅલ શ્ર્લેસિંગરના સંગ્રહનો ભાગ રહ્યું હતું, જેથી તેની અસલિયત અને કિંમતમાં મોટો વધારો થયો છે. મુંબઈના હેમિલ્ટન હાઉસ ખાતે યોજાયેલી 81 લોટની આ હરાજીમાં એકલા ’ધ રેડ ગર્લ’ પેઇન્ટિંગે કુલ વેચાણની લગભગ ત્રીજા ભાગની રકમ મેળવી આપી હતી. ભારતીય આર્ટ માર્કેટમાં આ મોટો ઉછાળો દર્શાવે છે કે એમ. એફ. હુસૈનની વિન્ટેજ આર્ટવર્ક આજે પણ વૈશ્વિક રોકાણકારો માટે અમૂલ્ય સાબિત થઈ રહી છે.
