જામજોધપુરના મેઘપર આંબરડી ગામેથી 25 લાખનો દારૂ ઝડપાયો

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના મેઘપર આંબરડી ગામની બહાર નદીના કાંઠે આવેલા ખુલ્લા પટમાંથી શેઠવડાળા પોલીસે ભારતીય બનાવટનો માતબર વિદેશી દારૂ, વાહનો અને અન્ય મુદ્દામાલ મળી…

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના મેઘપર આંબરડી ગામની બહાર નદીના કાંઠે આવેલા ખુલ્લા પટમાંથી શેઠવડાળા પોલીસે ભારતીય બનાવટનો માતબર વિદેશી દારૂ, વાહનો અને અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ.42,37,998નો વિશાળ જથ્થો ઝડપી પાડી પ્રોહિબિશન અધિનિયમ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાયના માર્ગદર્શન અને જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિમોહન સૈનીની સૂચના મુજબ જિલ્લામાં દારૂૂ અને જુગાર વિરુદ્ધ ચાલી રહેલા અભિયાન અંતર્ગત, લાલપુર વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક પ્રતિભાના માર્ગદર્શન હેઠળ શેઠવડાળા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.બી. સોલંકીના નેતૃત્વમાં પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી.

તે દરમિયાન પોલીસને ખાનગી બાતમી મળી હતી કે મેઘપર આંબરડી ગામના ભાયાભાઈ લખમણભાઈ છેલાણા અને ભીમાભાઈ ભાયાભાઈ છેલાણા ગામની બહાર નદીના કાંઠે આવેલા ખુલ્લા પટમાં ગેરકાયદેસર રીતે ઇંગ્લિશ દારૂૂનો જથ્થો સંગ્રહ કરી હેરાફેરી કરી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે દરોડો પાડી કાર્યવાહી હાથ ધરી હતી.

દરોડા દરમિયાન પોલીસે વિદેશી દારૂની 2,917 બોટલ (કિંમત રૂ.20,17,898), 4,986 ચપટા (કિંમત રૂ.4,98,600), એક ટ્રક (કિંમત રૂ.10 લાખ), એક બોલેરો પીકઅપ (કિંમત રૂ.5 લાખ), ટ્રકમાં ભરેલો અંદાજે 30 મેટ્રિક ટન બેન્ટોનાઇટ પાવડર (કિંમત રૂ.2,20,500) તથા એક તાડપત્રી (કિંમત રૂ.1,000) સહિત કુલ રૂૂ.42,37,998નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ મામલે ભાયાભાઈ લખમણભાઈ છેલાણા, ભીમાભાઈ ભાયાભાઈ છેલાણા (બંને રહે. મેઘપર આંબરડી, તા. જામજોધપુર) તેમજ ટ્રક નં. જી.જે-38-ટી 4535ના ચાલક સહિત તપાસમાં ખુલતા અન્ય શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ આરોપીઓ ફરાર હોવાથી તેમની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.
આ સમગ્ર કાર્યવાહી શેઠવડાળા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.બી. સોલંકીના માર્ગદર્શન હેઠળ પોલીસ હેડ કોન્સ્ટેબલ નવલભાઈ એન. આસાણી, વનિતાબેન પોપટભાઈ સોલંકી તેમજ પોલીસ કોન્સ્ટેબલ વરજાંગભાઈ કટારા, અર્જુનભાઈ ડુવા, રાજવીરસિંહ પરમાર અને માલદેભાઈ બડીયાવદરા સહિતની ટીમે સફળતાપૂર્વક પાર પાડી હતી.