Site icon Gujarat Mirror

નવા વર્ષની ઉજવણી માટે ટ્રકમાં પથ્થરની આડમાં છુપાવેલો 31 લાખનો દારૂ ગાંધીધામમાંથી પકડાયો

રાજસ્થાનથી દારૂનો જથ્થો ભરી આપનારનું નામ ખુલ્યું, એક ઝડપાયો : 45 લાખનો મુદ્દામાલ જપ્ત

ગાંધીધામના ભાગોળે મચ્છુનગર પુલ નજીક શહેરની ગાંધીધામ બી ડિવીઝન પોલીસે પથ્થરોના આવરણ વચ્ચે ખાનુ બનાવીને છુપાવેલો ત્રીસ લાખનો દારુ ઝડપી પાડ્યો હતો.

ટ્રકની પાછળ બહારથી જોતા પથ્થરો ભર્યા હોય તે મુજબનો ઢાંચો બનાવીને અંદર આખો ભાગ ખાલી રખાયો હતો. જેમાં દારુની અલગ અલગ બ્રાન્ડ અને બીયરની 5944 બોટલ છુપાવી હતી.

નવા વર્ષને ધ્યાનમાં રાખીને ગાંધીધામ બી ડિવીઝન પોલીસનો સર્વેલન્સ સ્ટાફ ગતરોજ તપાસમાં હતો ત્યારે બાતમી મળી હતી કે મચ્છુનગર પુલીયા પાસેથી એક ટ્રકમાં દારુનો જથ્થો જઈ રહ્યો છે.

જે આધારે સ્થળ પર તપાસ કરતા એક રાજસ્થાન પાસીંગનું ટ્રક મળી આવ્યું હતું, જેમાં પાછળના ભાગે જાણે પથ્થરો ભર્યા હોય તેવું દેખાતું હતું, પરંતુ પોલીસે જ્યારે તે પથ્થરો હટાવીને તપાસ કરવાનો પ્રયાસ કર્યો તો ઉપરનો પથ્થર હટાવતાજ અંદર મોટુ બાકોરુ નજરે ચડ્યુ અને અંદરથી આ આખુ માળખુ ખોખલુ અને ખાલી હોવાનો અંદાજો આવ્યો.

જેમાં ઉતરીને તપાસ કરતા વિવિધ બ્રાન્ડની દારુ અને બીયરની બોટલોના અઢળક બોક્સ મળી આવ્યા હતા. આ સાથે રહેલા ટ્રકના ચાલક પ્રકાશ લાઘુરામ બિશ્નોઈ (ઉ.વ.24, રહે. વાડાન્યા, તા. બાગુડા, જી. ઝાલોર, રાજસ્થાન) ની અટક કરાઈ હતી. અને જથ્થાની ગણતરી કરતા અલગ અલગ બ્રાન્ડની દારુ અને બીયરની કુલ 5944 બોટલનો જંગી જથ્થો ઝડપોયો હતો, જેની કુલ કિંમત 30 લાખ જેટલી હોવાનું આકલન કરાયું હતુ. 15 લાખ અને મોબાઈલ ગણીને કુલ 45,01,286 લાખનો મુદામાલ જપ્ત કરાયો હતો.

તો આ દરોડામાં સ્થળ પર ન મળનારા હરીયાણાના હિન્સારનો માલ મોકલનાર શખ્સ કાલુ ઉર્ફે રવિ જાટ વિરુદ્ધ પણ ગુનો દાખલ કરાયો હતો. આ કામગીરી ગાંધીધામના બી ડિવીઝન પીઆઈ એસ.વી.ગોજીયા અને પીએસઆઈ એલ.એન. વાઢીયા તથા સર્વેલન્સ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

Exit mobile version