ક્રાઇમ
રાજસ્થાનથી જેતપુર આવતો 22.36 લાખનો દારૂ ઝડપાયો
રાજસ્થાનથી જેતપુર જતા રૂ. 22.36 લાખના વિદેશી દારૂ ભરેલા એસીડના ટેન્કરને સ્ટેટ મોનીટરીંગ સેલે ચોટીલા પાસેથી ઝડપી લઇ 33 લાખનો મુદામાલ કબજે કરી ચાલકની ધરપકડ કરી છે. પુછપરછમાં જેતપુરના બુટલેગર તથા રાજસ્થાનના બે સપ્લાયરોના નામ ખુલ્યા છે. જેની શોધખોળ શરૂ કરાઇ છે.
સ્ટેટ મોનીટરીંગ સેલના ડીઆઇજી નિર્લિપ્ત રાયની સુચનાથી ડીવાયએસપી કે.ટી. કામરીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ.એચ. શીનોલ અને તેમની ટીમે ચોટીલા નજીક વોચ ગોઠવી હોય બળદેવ હોટલના કમ્પાઉન્ડમાં પાર્ક ટ્રકમાં તલાસી લેતા એસીડ ભરેલા આ ટ્રકમાં ચોરખાનુ બનાવી છુપાવેલો 3536 બોટલ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
22.36 લાખની કિંમતની દારૂ અને ટ્રક સહીત 33 લાખનો મુદામાલ કબજે કરી રાજસ્થાનના ટ્રક ચાલક અર્જુનદાસ આદુદાસ સાદની ધરપકડ કરી હતી. પુછપરછમાં દારૂનો જથ્થો રાજસ્થાનના બાલોતરા જીલ્લાના સારોડી ગામના ચેનસિંહ શિવસિંહ રાજપુત તથા ગણેશ બિશ્ર્નોઇએ ભરી આપ્યો હોય અને આ જથ્થો જેતપુરના બુટલેગરે મંગાવ્યો હોવાનુ ખુલ્યુ હતુ. આ દારૂનો જથ્થો રાજસ્થાનથી જેતપુર પહોંચે તે પુર્વે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ઝડપી પાડયો હતો.