વીરપુરના સીમ વિસ્તારમાં દીપડાની દહેશત; વનવિભાગ પાસે પાંજરું મૂકવા માંગ

એક વર્ષથી આહાબા સીમ વિસ્તારમાં દીપડાના ધામા: વનવિભાગ અંધારામાં યાત્રાધામ વીરપુરની આહાબા સિમ વિસ્તારમાં છેલ્લા એકાદ વર્ષથી દીપડાનો આતંક સતત વધી રહ્યો છે. વારંવાર દીપડાના…

એક વર્ષથી આહાબા સીમ વિસ્તારમાં દીપડાના ધામા: વનવિભાગ અંધારામાં

યાત્રાધામ વીરપુરની આહાબા સિમ વિસ્તારમાં છેલ્લા એકાદ વર્ષથી દીપડાનો આતંક સતત વધી રહ્યો છે. વારંવાર દીપડાના આંટાફેરા જોવા મળતા સ્થાનિક ખેડૂતો અને માલધારીઓમાં ભારે ભયનો માહોલ સર્જાયો છે.ગઈ રાત્રે જ આહાબા સિમ વિસ્તારમાં દીપડાએ એક રેઢિયાર વાછરડાનું મારણ કરતાં ખેડૂતોમાં ચિંતાનો માહોલ વધુ ગાઢ બન્યો છે.

સ્થાનિક ખેડૂતોના જણાવ્યા મુજબ છેલ્લા ઘણા સમયથી દીપડો આ વિસ્તારમાં સતત આંટાફેરા કરી રહ્યો છે જેમને લઈને અનેક વખત ખેડૂતોના પશુઓનો શિકાર કરી ચૂક્યો છે. દીપડાના વધતા આતંકને કારણે ખેડૂતો પોતાના ખેતરોમાં જવા પણ ડરી રહ્યા છે.આ અગાઉ થોડા દિવસો પહેલા જ આ આહાબા સિમમાં એક ખેડૂતના માલિકિના વાછરડાનું મારણ પણ દીપડાએ કર્યું હતું જેમને લઈને માલધારીઓ તેમજ ખેડૂતોના પશુધન પર સતત ખતરો મંડરાતો હોવાથી ખેડૂતો અને માલધારીઓમાં ભારે રોષ ફેલાયો છે.

ખેડૂતોનું કહેવું છે કે છેલ્લા એક વર્ષથી આહાબા સિમ વિસ્તારમાં દીપડાનો ધામા હોવા છતાં વનવિભાગ દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. વનવિભાગ ઘોરનિંદ્રામાં હોય તેમ આંખ આડા કાન કરી રહ્યું હોવાના આક્ષેપો પણ સ્થાનિક ખેડૂતો દ્વારા કરવામાં આવી રહ્યા છે. સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનો દ્વારા વનતંત્ર પાસે તાત્કાલિક પાંજરું મૂકીને દીપડાને પકડી લેવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે.

જો વનવિભાગ દ્વારા વહેલી તકે યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો કોઈ માનવ પર હુમલો કરી જાનહાનિ સર્જાય તેવી પણ લોકોમાં ભીતિ વ્યાપી રહી છે.
હાલ તો વીરપુરની સમગ્ર આહાબા સિમ વિસ્તારમાં દીપડાની દહેશતને કારણે ખેડૂતો અને ગ્રામજનોમાં ભય અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.