સિંચાઇ વિભાગની મનાઇ છતા ઓઝતના પટમાં લીઝ મંજૂર

જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકામાંથી પસાર થતી ઓઝત નદીના પટમાં પથ્થર ખાણ (ક્વોરી) માટે લીઝ મંજૂર કરવાના રાજ્ય સરકારના નિર્ણય સામે વંથલી નગરપાલિકાએ કાનૂની જંગ છેડ્યો…

જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકામાંથી પસાર થતી ઓઝત નદીના પટમાં પથ્થર ખાણ (ક્વોરી) માટે લીઝ મંજૂર કરવાના રાજ્ય સરકારના નિર્ણય સામે વંથલી નગરપાલિકાએ કાનૂની જંગ છેડ્યો છે. નગરપાલિકા દ્વારા કરવામાં આવેલી જાહેર હિતની અરજી (PIL)ની સુનાવણી કરતી વખતે ગુજરાત હાઈકોર્ટે શુક્રવારે રાજ્ય સરકારનો ખુલાસો પૂછ્યો છે.

સુનાવણી દરમિયાન વંથલી નગરપાલિકાના એડવોકેટે પીઠ સમક્ષ રજૂઆત કરી હતી કે નદીમાંથી થતા આડેધડ ખનનને કારણે સમગ્ર વિસ્તારમાં પીવાના પાણીની ગંભીર અછત સર્જાય તેમ છે. રાજ્યના સિંચાઈ વિભાગ દ્વારા વર્ષ 2016થી જ આ વિસ્તારમાં ખાણકામ સામે નકારાત્મક અભિપ્રાય આપવામાં આવ્યો હતો અને પાણીની ભયાનક અછત સર્જાવાની ચેતવણી પણ આપવામાં આવી હતી. આમ છતાં, ભૂસ્તરશાસ્ત્ર અને ખાણ-ખનિજ કમિશનર (Commissioner of Geology and Mining)દ્વારા આ વિસ્તારમાં ક્વોરી લીઝ મંજૂર કરી દેવામાં આવી છે.

નગરપાલિકાએ હાઈકોર્ટને વિનંતી કરી છે કે નદીના પટમાં થઈ રહેલી ખાણકામની પ્રવૃત્તિઓ પર ત્વરિત અસરથી રોક લગાવવા માટે સરકારી સત્તાવાળાઓને આદેશ કરવામાં આવે.

કાર્યકારી ચીફ જસ્ટિસ એમ. આર. શાહ અને જસ્ટિસ નિરઝર દેસાઈની ખંડપીઠે સમગ્ર દસ્તાવેજો અને આધાર-પુરાવાઓની ચકાસણી કર્યા બાદ રાજ્ય સરકારના વકીલને આકરા સવાલો કર્યા હતા. કોર્ટે પૂછ્યું હતું કે, “જ્યારે વર્ષ 2016થી સિંચાઈ વિભાગ આ પ્રસ્તાવનો વિરોધ કરી રહ્યો હતો, તો પછી ખાણ-ખનિજ કમિશનર આ લીઝ મંજૂર કરવા માટે આટલા ઉત્સુક કેમ હતા?”

બીજી તરફ, રાજ્ય સરકારના સરકારી વકીલે એવી રજૂઆત કરી હતી કે નગરપાલિકાની આ અરજી પાછળ કોઈ અન્ય વ્યક્તિ વિશેષને લીઝ અપાવવાનો હેતુ હોવાનું જણાય છે.