સૂચિત રેન્ટ બિલના વિરોધમાં વકીલોની પ્રતીક હડતાલ

ગુજરાત સરકાર દ્વારા લાવવામાં આવેલા સૂચિત રેન્ટ એક્ટ બિલ 2026ના વિરોધમાં રાજકોટ બાર એસોસિએશન દ્વારા આજે એક દિવસની પ્રતીક હડતાળ પાડવામાં આવી હતી. આ આંદોલનમાં…

ગુજરાત સરકાર દ્વારા લાવવામાં આવેલા સૂચિત રેન્ટ એક્ટ બિલ 2026ના વિરોધમાં રાજકોટ બાર એસોસિએશન દ્વારા આજે એક દિવસની પ્રતીક હડતાળ પાડવામાં આવી હતી. આ આંદોલનમાં રાજકોટ બાર એસોસિએશન તેમજ વિવિધ વકીલ મંડળોના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં સિનિયર અને જુનિયર વકીલો જોડાયા હતા. વકીલોએ કોર્ટ પરિસરમાં એકઠા થઈને ભાડા વિધેયકના વિરોધમાં જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા અને દેખાવો કરીને આ બિલ પાછું ખેંચવાની ઉગ્ર માંગ કરી હતી. વકીલો અદાલતી કામગીરીથી સંપૂર્ણપણે અલિપ્ત રહેતા રાજકોટ સહિત સમગ્ર રાજ્યની જિલ્લા અને તાલુકા કક્ષાની અદાલતોમાં અરજન્ટ મેટર્સ સિવાયની તમામ કાર્યવાહી ઠપ્પ થઈ જવા પામી હતી.

ગુજરાત ભાડા વિધેયક 2026માં કરવામાં આવેલી એક જોગવાઈ છે. આ બિલ અંતર્ગત ભાડા કરાર અને વિવાદો અંગેની કોર્ટની સત્તાઓ મ્યુનિસિપલ કમિશનર, કલેક્ટર તેમજ ડેપ્યુટી કલેક્ટર જેવા વહીવટી અધિકારીઓને સુપ્રત કરવાની દરખાસ્ત કરવામાં આવી છે. ધારાશાસ્ત્રીઓના જણાવ્યા અનુસાર, કોર્ટની ન્યાયિક સત્તા વહીવટી તંત્રને સોંપવાથી પક્ષકારો અને વકીલોને ખુબ જ તકલીફો અને મુશ્કેલીઓનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિ નિર્માણ પામશે. કાયદામાંથી આ જોગવાઈઓને તાત્કાલિક ધોરણે દૂર કરવી અથવા સુધારા કરવા અત્યંત જરૂૂરી હોવાથી સમગ્ર રાજ્યના વકીલ આલમમાં સરકાર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

હડતાળના કારણે સામાન્ય નાગરિકો અને પક્ષકારોના કાનૂની હિતોને કોઈ નુકસાન ન પહોંચે તે માટે રાજકોટ બાર એસોસિએશન દ્વારા વિશેષ કાળજી લેવામાં આવી હતી. બાર એસોસિએશનના પ્રમુખ સુમિત વોરા અને સેક્રેટરી નીલેશ પટેલની સંયુક્ત યાદી અનુસાર, આ સંદર્ભે એક સર્વાનુમતે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. આ ઠરાવની નકલો રાજકોટ શહેરની તમામ અદાલતોના ન્યાયાધીશોને સુપ્રત કરવામાં આવી હતી.

વકીલોએ ન્યાયાધીશોને વિનંતી કરી હતી કે વકીલો કે પક્ષકારોની ગેરહાજરીના કારણે કેસોમાં પક્ષકારોને નુકસાન થાય તેવા કોઈ હુકમો ના ફરમાવવામાં આવે અને તમામ કેસોમાં યથાવત સ્થિતિજાળવી રાખવામાં આવે. રાજકોટ સહિત સમગ્ર ગુજરાતની અદાલતોમાં યોજાયેલી આ સફળ પ્રતીક હડતાળ બાદ વકીલ મંડળોએ આગળની વ્યૂહરચના અંગે સ્પષ્ટ સંકેત આપ્યા છે. જો સરકાર દ્વારા આ સૂચિત ભાડા વિધેયક બિલ તાત્કાલિક પાછું ખેંચવામાં નહીં આવે અથવા વકીલોની માંગણીઓ અંગે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં રાજ્યના તમામ વકીલ મંડળોની એક મહત્ત્વપૂર્ણ બેઠક બોલાવવામાં આવશે. વકીલ વર્તુળોના જણાવ્યા મુજબ, સરકારના વલણ સામે આગામી સમયમાં વિરોધના વિવિધ આક્રમક કાર્યક્રમો ઘડીને આ આંદોલનને વધુ તીવ્ર બનાવવામાં આવશે.