રાજકોટ શહેરની પ્રાંત કચેરીમાં અશાંતધારા હેઠળ નોંધાતી અરજીઓના સમયસર નિકાલ અંગે વકીલ આલમમાં વ્યાપક અસંતોષ ફેલાયો છે. સિટી પ્રાંત-1 કચેરીના અધિકારી દ્વારા અરજદારો અને વકીલોને સંતોષકારક જવાબ ન અપાતો હોવાના તથા તેમની સાથે ગેરવર્તણૂક કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે જુનિયર બાર એસોસિએશન દ્વારા એડિશનલ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યો છે. આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે લાંબા સમયથી અટવાયેલી ફાઈલોનો તાકીદે નિકાલ કરવાની માંગણી સાથે એડિશનલ કલેક્ટર તેમજ પ્રાંત અધિકારીને લેખિતમાં વિગતવાર રજૂઆત સુપરત કરવામાં આવી છે.
સમગ્ર મામલે જુનિયર બાર એસોસિયનના પ્રમુખ ઝાકીર આગરિયાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, પ્રાંત કચેરીમાં છેલ્લા કેટલાક મહિનાઓથી અશાંતધારાને લગતી કામગીરી ખોરંભે પડી છે. ઓગસ્ટથી ઓક્ટોબર માસ દરમિયાન જ 100થી વધુ મહત્વની ફાઈલો પ્રાંત અધિકારી સમક્ષ અનિર્ણીત સ્થિતિમાં પડી રહી છે. કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી હોવા છતાં તેનો સમયમર્યાદામાં નિકાલ કરવામાં આવતો નથી. વકીલો જ્યારે કેસની વર્તમાન સ્થિતિ જાણવા કચેરીની મુલાકાત લે છે ત્યારે અધિકારી દ્વારા સીધો કે સંતોષકારક ઉત્તર આપવાના બદલે ઉદ્ધત વલણ દાખવવામાં આવે છે અને ગેરવર્તન કરવામાં આવે છે.
રજૂઆતમાં વકીલોએ જણાવ્યું હતું કે, કાયદેસરના તમામ નિયમો પૂર્ણ કર્યા બાદ પણ પ્રાંત અધિકારી દ્વારા વાંધાવચકા કાઢીને ફાઈલો અટકાવી રાખવામાં આવે છે. અરજદારો પાસેથી વધારાના જૂના લાઈટ બિલો, વેરા બિલો તેમજ બિનજરૂૂરી દસ્તાવેજોની માંગણી કરી માનસિક અને આર્થિક રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે. મિલકત ખરીદ-વેચાણના સોદામાં ચોક્કસ સમયમર્યાદા નિર્ધારિત હોય છે, પરંતુ વહીવટી ઢીલના કારણે મંજૂરી ન મળતા સોદા રદ થવાની નોબત આવે છે. જેના પરિણામે સામાન્ય નાગરિકો અને પક્ષકારોને લાખો રૂૂપિયાનું આર્થિક નુકસાન સહન કરવું પડે છે.
