રાવકીની સરકારી જમીન ઉપર કબજો કરનાર ત્રણ શખ્સો સામે લેન્ડગ્રેબિંગ

લોધિકા તાલુકાના રાવકી ગામની સીમમાં આવેલી કરોડો રૂૂપિયાની કિંમતી સરકારી ગૌચર જમીન પર ગેરકાયદેસર રીતે શેડ ચણીને કોમર્શિયલ પ્રવૃત્તિ શરૂૂ કરી દેનાર ત્રણ ભાગીદારો સામે…

લોધિકા તાલુકાના રાવકી ગામની સીમમાં આવેલી કરોડો રૂૂપિયાની કિંમતી સરકારી ગૌચર જમીન પર ગેરકાયદેસર રીતે શેડ ચણીને કોમર્શિયલ પ્રવૃત્તિ શરૂૂ કરી દેનાર ત્રણ ભાગીદારો સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, રાવકી ગામે સરકારી ગૌચરની જમીન પર ગેરકાયદેસર રીતે મોટો શેડ ઊભો કરીને કબ્જો કરી લેવામાં આવ્યો હોવાની હકીકત વહીવટી તંત્રના ધ્યાને આવી હતી. આ કિંમતી સરકારી જમીન પર વ્યાપારી હેતુથી દબાણ કરવામાં આવ્યું હોવાથી, જિલ્લા કલેક્ટરની કડક સૂચનાના આધારે લોધિકાના તાલુકા વિકાસ અધિકારી જે.આર. બોરીચાએ કરોડોની સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે કબ્જો જમાવનાર ત્રણ ભાગીદારો સામે નામજોગ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાં શૈલેષ નાગજીભાઈ ફાચરા , અશોક મુળજીભાઈ ઠુંમર , અતુલ વિઠ્ઠલદાસ વરસાણી સામે પોલીસે આ મામલે લેન્ડ ગ્રેબિંગ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

પોલીસ ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ, રાવકી ગામના સર્વે નંબર 221 ની જમીન સામાન્ય ઉદ્યોગના હેતુ માટે નાગજીભાઈ લાખાભાઈ ફાચરાના નામે બિનખેતી થયેલી છે, જ્યારે તેનાથી નજીક આવેલી સર્વે નંબર 220 ની જમીન શૈલેષ નાગજી ફાચરાના નામે ખેતીની જમીન તરીકે નોંધાયેલી છે. આ બંને જમીનોને અડીને આવેલી સરકારી ગૌચરની કિંમતી જમીન સર્વે નંબર 210 આવેલી છે, જેના પર આ આરોપીઓએ ગેરકાયદેસર કબ્જો કર્યો હતો.

આ આસામીઓ દ્વારા વર્ષ 2023 સુધી આ ગૌચર જમીન પર ગેરકાયદેસર રીતે વાવેતર કરીને ખેતી કરવામાં આવતી હતી. ત્યારબાદ આ ત્રણેય ભાગીદારોએ આર્થિક લાભ મેળવવા માટે આ સરકારી જમીન પર મોટો શેડ ચણી દીધો હતો અને ત્યાં સિમેન્ટ બ્લોક તેમજ સિમેન્ટને લગતી અન્ય સામગ્રીઓ બનાવવાનું કારખાનું શરૂૂ કરી દીધું હતું. ગૌચરની જમીન પર કોઈપણ પ્રકારની વહીવટી મંજૂરી વિના આવી વ્યાપારી અને કોમર્શિયલ પ્રવૃત્તિઓ ધમધમતી કરી દેવામાં આવી હતી.

જ્યારે તંત્ર દ્વારા આ ગેરકાયદેસર દબાણ મામલે મુખ્ય આરોપીને નિવેદન આપવા માટે બોલાવવામાં આવ્યો અને તેની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી, ત્યારે ગૌચરની જમીનના દબાણમાં તેના અન્ય બે ભાગીદારો અશોક મુળજી ઠુંમર અને અતુલ વિઠ્ઠલ વરસાણી પણ સક્રિય રીતે સામેલ હોવાની હકીકત સપાટી પર આવી હતી. આ જમીન પર લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરવા માટે કલેક્ટરના સ્પષ્ટ આદેશથી ગુનો નોંધાયા બાદ સ્થાનિક પોલીસે ત્રણેય આરોપીઓ સામે કાયદાનો ગાળિયો મજબૂત કરીને વધુ તપાસ હાથ ધરી છે.