ગુજરાત
લાલિયાવાડી હવે બંધ : નવી કોલેજની મંજૂરી આપવાની સત્તા યુનિવર્સિટી પાસેથી છીનવાઇ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મારા ને સાચવવાની પરંપરા હવે ખતમ થવા જઈ રહી છે. કોલેજોની મંજુરી માટે મળતિયાઓને ધડાધડ મંજુરી આપવામાં આવી રહી હતી તેના પર બ્રેક લાગી ગયો છે અને નવી કોલેજની મંજુરીની સત્તા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસેથી છીનવી સરકાર હસ્તક લેવામાં આવીછે. ઉપરાંત બીયુ સર્ટી અને ફાયર એનઓસી વગરની કોલેજોમાં એડમીશન રદ કરવા માટેનો નિર્ણય પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા મળેલી એકેડેમી કાઉન્સીલની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે.
જેથી અત્યાર સુધી ચાલતી લાલિયાવાડીને બ્રેક લાગશે. વર્ષ 2022-23 અને 2023-24 આ બંને વર્ષના વિદ્યાર્થીઓના એડમિશન અને એનરોલમેન્ટ થઇ ગયા છે તેથી તેમાં કશું કરી શકાય તેમ ન હોવાથી તે જોડાણ મંજૂર કર્યા હતા. પરંતુ વર્ષ 2024-25માં જેટલી કોલેજોને જોડાણ આપવાના છે તેમાં મુખ્યત્વે ત્રણ નિયમ નક્કી કર્યા છે. તમામ કોલેજોએ પ્રોફેસરોની ખાલી જગ્યા 31મી માર્ચ-2025 સુધીમાં ભરી તમામ પ્રક્રિયા કરી તેનો લેટર યુનિવર્સિટીને મોકલવાનો રહેશે. દરેક કોલેજ પાસે બીયુ સર્ટિફિકેટ હોવું જરૂૂરી છે અને ફાયર એનઓસી ફરજિયાત કરાયું છે જે રજૂ કરવી પડશે. આ ત્રણેય પૈકી એકપણ બાબત કોલેજ રજૂ ન કરી શકે તો તે કોલેજ શૈક્ષણિક વર્ષ 2024-25માં વિદ્યાર્થીઓના એડમિશન કરી શકશે નહીં.
જે કોલેજોએ વધારાનો વિષય કે નવા વિષયની માગણી કરી છે એવી ચાલુ કોલેજ જો નેક એક્રેડિએટ હશે તો જ મંજૂરી મળશે. એટલે કે હવે નેક પ્રમાણિત કોલેજ નહીં હોય તો નવા કોર્સની કે વિષયની પણ મંજૂરી નહીં મળે. નવી કોલેજની મંજૂરી માટે પણ હવે કડક નિયમો કરી દીધા છે.અત્યાર સુધી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કક્ષાએથી જ નવી કોલેજોને મંજૂરી આપવામાં આવતી હતી, પરંતુ હવે નવા સ્ટેચ્યુટની જોગવાઈ પ્રમાણે બોર્ડ ઓફ ડીનમાં નવી કોલેજની પ્રપોઝલ મુકાશે, ત્યારબાદ સરકારમાં લેટર ઓફ ઇન્ટેન્ટ માટે રજૂ કરવામાં આવશે. સરકારમાંથી લેટર ઓફ ઇન્ટેન્ટ આવે ત્યારબાદ જ તે કોલેજના જોડાણની કાર્યવાહી કરવામાં આવશે. એટલે કે હવે નવી કોલેજોને મંજૂરી આપવાની સત્તા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નહીં પરંતુ સરકારની રહેશે. યુનિવર્સિટીએ માત્ર સ્ક્રૂટિની કરીને સરકારને મોકલશે.