Site icon Gujarat Mirror

રિયલ એસ્ટેટમાં ફેબ્રુઆરીમાં કોઠારિયા નંબર-1, રૈયામાં સોદા ઘટ્યા

રાજકોટ શહેરના રિયલ એસ્ટેટ માર્કેટમાં ફેબ્રુઆરી 2026માં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો છે. સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસથી ખૂબ ચર્ચામાં રહેલા રૈયા વિસ્તારમાં જમીનના ભાવ આસમાને પહોંચતા સોદામાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જ્યારે કોઠારિયા વિસ્તાર ઝડપથી વિકસતો વિસ્તાર બનીને રાજકોટના રિયલ એસ્ટેટ માર્કેટમાં નવી ચમક બની રહ્યો છે.

સરકારી આંકડાઓ અનુસાર, કોઠારિયામાં જાન્યુઆરીની તુલનાએ ફેબ્રુઆરીમાં દસ્તાવેજોની સંખ્યામાં મોટો ઉછાળો આવ્યો છે. અહીં ફેબ્રુઆરીમાં કુલ 1001 દસ્તાવેજો નોંધાયા, જે ગત મહિના કરતાં લગભગ 200 વધુ છે. બીજી તરફ, રૈયા વિસ્તારમાં ઊંચા ભાવોને કારણે સોદામાં ઘટાડો થયો અને ગત મહિના કરતાં 124 દસ્તાવેજો ઓછા નોંધાયા.

મદદનીશ નોંધણી સર નિરીક્ષક કચેરી, રાજકોટના અહેવાલ મુજબ ફેબ્રુઆરી 2026માં સમગ્ર રાજકોટ જિલ્લામાં કુલ 13,011 દસ્તાવેજોની નોંધણી થઈ છે. આ દસ્તાવેજોમાંથી સરકારને મળેલી આવકમાં સ્ટેમ્પ ડ્યુટી: ₹ 60.13 કરોડ, નોંધણી ફી: ₹ 9.89 કરોડ મળીને કુલ આવક: ₹ 70.03 કરોડ થઇ હતીમાત્ર શહેરી વિસ્તારો જ નહીં, પણ ગ્રામ્ય અને તાલુકા મથકોમાં પણ રિયલ એસ્ટેટમાં તેજી જોવા મળી છે. જેતપુરમાં 628, જસદણમાં 387 અને ગોંડલમાં 1148 દસ્તાવેજો નોંધાયા છે.

બિલ્ડરો અને મિલકત નિષ્ણાતોનું માનવું છે કે માર્ચ મહિનામાં આ આંકડો હજુ વધુ વધશે. નાણાકીય વર્ષના અંતે બેંક લોનના ક્લિયરન્સ અને ટેક્સ બચતના કારણે લોકો ઝડપથી દસ્તાવેજ કરાવવાનો આગ્રહ રાખે છે.રિયલ એસ્ટેટ નિષ્ણાતોના મતે, કોઠારિયા વિસ્તારમાં રોડ, વોટર સપ્લાય, બ્રિજ અને નવા રહેણાંકીય પ્રોજેક્ટ્સના કારણે મધ્યમ વર્ગના ખરીદદારો માટે આ વિસ્તાર વધુ આકર્ષક બન્યો છે. રૈયામાં ભાવ વધુ હોવાથી ઘણા ખરીદદારો અલ્ટરનેટિવ વિસ્તારો તરફ વળ્યા છે, જેના કારણે કોઠારિયા જેવા વિસ્તારોમાં ઝડપી વિકાસ જોવા મળી રહ્યો છે. આંકડાઓ સ્પષ્ટ કરે છે કે રાજકોટનું રિયલ એસ્ટેટ માર્કેટ હજુ પણ મજબૂત છે અને નવા વિસ્તારોમાં રોકાણની તકો વધી રહી છે. માર્ચના અંતિમ આંકડા આ વલણને વધુ મજબૂતી આપશે તેવી અપેક્ષા છે.

Exit mobile version