મુંબઇ સામે કોલકાતાની જીતથી પ્લેઓફની રેસ રોમાંચક બની

એક સ્થાન માટે 5 ટીમો વચ્ચે રેસ, રાજસ્થાન માટે કરો યા મરોની સ્થિતિ ઇડન ગાર્ડન્સ ખાતે રમાયેલી મેચમાં કોલકાતા નાઈટ રાઇડર્સે મુંબઈ ઈન્ડિયન્સને ચાર વિકેટથી…

એક સ્થાન માટે 5 ટીમો વચ્ચે રેસ, રાજસ્થાન માટે કરો યા મરોની સ્થિતિ

ઇડન ગાર્ડન્સ ખાતે રમાયેલી મેચમાં કોલકાતા નાઈટ રાઇડર્સે મુંબઈ ઈન્ડિયન્સને ચાર વિકેટથી હરાવ્યું હતું જેનાથી IPL 2026ની પ્લેઓફની રેસ રોમાંચક બની હતી. વરસાદથી પ્રભાવિત આ મેચ જીતીને અજિંક્ય રહાણેની કેપ્ટનશીપ હેઠળના KKR એ પોતાની આશા જીવંત રાખી હતી. અન્ય ચાર દાવેદારોના ધબકારા પણ વધાર્યા હતા. આ જીત સાથે KKR હવે 13 મેચમાંથી 13 પોઈન્ટ સાથે છઠ્ઠા સ્થાને છે.

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ, ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ પહેલાથી જ પ્લેઓફમાં પહોંચી ચૂક્યા છે. પાંચ ટીમો (RR, PBKS, CSK, DC અને KKR) માં અંતિમ ચાર માટેની લડાઈ હવે અત્યંત રસપ્રદ બની ગઈ છે. જાણો પ્લેઓફમાં એક સ્થાન માટેનું શું છે સમીકરણ?

મુંબઈ ઈન્ડિયન્સ પરની આ પ્રભાવશાળી જીતે KKR માટે પ્લેઓફના દરવાજા સંપૂર્ણપણે ખોલી નાખ્યા છે. KKRની છેલ્લી લીગ મેચ હવે દિલ્હી કેપિટલ્સ સામે છે. જો KKR તે મેચ જીતે છે તો તેના 15 પોઈન્ટ થશે. 15 પોઈન્ટ સાથે KKR ચોથા સ્થાન માટે સૌથી મજબૂત દાવેદાર બનશે, જો રાજસ્થાન રોયલ્સ તેમની છેલ્લી મેચ હારી જાય અને પંજાબ કિંગ્સ પણ તેમની મેચ મોટા માર્જિનથી ન જીતે. વધુમાં આ જીતથી KKRનો નેટ રન રેટ પણ સુધર્યો છે, જે આખરે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

KKRની જીતથી રાજસ્થાન રોયલ્સ પર સૌથી વધુ દબાણ આવ્યું છે. રાજસ્થાનને લાગતું હતું કે તેઓ 14 પોઈન્ટ સાથે પણ સુરક્ષિત રહી શકે છે, પરંતુ KKRની જીત પછી હવે એવું નથી. જો KKR તેમની છેલ્લી મેચમાં દિલ્હીને હરાવે છે, તો તેઓ 15 પોઈન્ટ સુધી પહોંચી જશે. આવી સ્થિતિમાં રાજસ્થાન રોયલ્સે પ્લેઓફમાં સ્થાન મેળવવા અને 16 પોઈન્ટ સુધી પહોંચવા માટે મુંબઈ ઇન્ડિયન્સ સામેની તેમની અંતિમ મેચ જીતવી પડશે.

KKRની જીતથી પંજાબ કિંગ્સ પણ સીધી રીતે પ્રભાવિત છે. જો તેઓ લખનઉ સુપર જાયન્ટ્સને હરાવે તો પંજાબ કિંગ્સ પાસે હજુ પણ 15 પોઈન્ટ સુધી પહોંચવાની તક છે. KKR હવે 15 પોઈન્ટ સુધી પહોંચી શકે છે, તેથી પંજાબ કિંગ્સ માટે ફક્ત મેચ જીતવી પૂરતી રહેશે નહીં. જો રાજસ્થાન તેની અંતિમ મેચ હારી જાય અને પંજાબ અને KKR પોતપોતાની મેચ જીતી જાય અને 15 પોઈન્ટ પર ટાઇ થાય તો મામલો સંપૂર્ણપણે નેટ રન રેટ દ્વારા નક્કી થશે. પંજાબે હવે મોટા માર્જિનથી જીતવું પડશે. KKRની જીતથી ચેન્નઈ સુપર કિંગ્સનો માર્ગ વધુ મુશ્કેલ બની ગયો છે. CSK મહત્તમ 14 પોઈન્ટ સુધી જ પહોંચી શકે છે. KKR હવે 13 પોઈન્ટ સાથે ચેન્નઈ સુપર કિંગ્સને પ્લેઓફમાં પહોંચવા માટે ચમત્કારની જરૂૂર પડશે. CSK એ પ્રાર્થના કરવી પડશે કે KKR દિલ્હી કેપિટલ્સ સામે પોતાની છેલ્લી મેચ હારે, પંજાબ કિંગ્સ પણ પોતાની મેચ હારે, અને રાજસ્થાન રોયલ્સ પણ પોતાની છેલ્લી મેચ ખરાબ રીતે હારે, જેથી ચેન્નઈ નેટ રન રેટના આધારે 14 પોઈન્ટ પર પોતાનું નસીબ અજમાવી શકે.

દિલ્હી કેપિટલ્સ માટે KKR સામેની છેલ્લી લીગ મેચ હવે ક્વાર્ટર ફાઇનલ જેવી બની ગઈ છે. મુંબઈને હરાવીને KKR 13 પોઈન્ટ પર પહોંચી ગયું છે. હવે જ્યારે દિલ્હી અને કોલકાતા એકબીજા સામે ટકરાશે ત્યારે તે સીધો નોકઆઉટ મેચ હશે. આ મેચ જે પણ ટીમ હારે છે તે સીધી ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જશે.

જો રાજસ્થાન રોયલ્સ મુંબઈ ઇન્ડિયન્સ સામેની છેલ્લી મેચ હારી જાય છે અને 14 પોઈન્ટ પર રહે છે, જ્યારે ગાણિતિક ગણતરીઓ પછી ઈજઊં, KKR, અથવા દિલ્હી કેપિટલ્સમાંથી કોઈપણ 14 કે 15 પોઈન્ટ પર બરાબરી કરે છે તો ચોથા સ્થાન માટે નેટ રન રેટ એકમાત્ર નિર્ણાયક પરિબળ હશે. KKR ની જીતથી IPL 2026ની પ્લેઓફની રેસ વધુ રોમાંચક બની છે. KKR એ પોતાની આશા જીવંત રાખી છે અને અન્ય ચાર દાવેદારોના ધબકારા પણ વધાર્યા છે.