ક્રાઇમ
પારકા ઝઘડામાં સમાધાન માટે ગયેલા યુવાનની હત્યા
શાપર-વેરાવળમાં નોનવેજની દુકાન ચલાવતા યુવક મિત્રના પરિવારના ઝઘડામાં સમાધાન માટે ગયો અને મોત મળ્યું
શાપર વેરાવળમાં આનંદ સોસાયટીમાં રહેતા અને નોનવેજની દુકાન ચલાવતા યુવાનની પારકા ઝઘડામાં સરાજાહેર હત્યા થતાં સનસનાટી મચી ગઈ છે. આ મામલે શાપર-વેરાવળ પોલીસે તાત્કાલીક કાર્યવાહી કરી હત્યામાં સંડોવાયેલા ચારને સકંજામાં લીધા છે. મિત્રના પરિવારની મહિલાના ઝઘડામાં સમાધાન માટે વચ્ચે પડેલા યુવાનને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ બનાવથી મૃતકના પરિવારમાં શોક વ્યાપી ગયો છે.
મળતી વિગતો મુજબ શાપર-વેરાવળના આનંદ સોસાયટીમાં રહેતા અને નોનવેજની દુકાન ચલાવતા સેજાઝ ઈસુબભાઈ હિંગોરા ઉ.વ.25 ગઈ કાલે રાત્રે 9 વાગ્યાના સુમારે મામદેવના મંદિર પાસે હતો ત્યારે મુકેશ ધીરુ માલકીયા, દિલીપ ભરત રાઠોડ, મિલન રમેશ રાઠોડ અને રાજેશ ભનુ ડાભીએ તેના ઉપર છરીથી હુમલો કર્યો હતો. સરાજાહેર સેજાઝ ઉપર છરીના ઘા ઝીંકી દેતા તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ બનાવની જાણ થતાં શાપર-વેરાવળ પોલીસ મથકના પીઆઈ આર.બી. રાણા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. બનાવની જાણ થતાં સેજાઝના ભાઈ અલ્તાફ તથા તેના માતા સહિતના પરિવારજનો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતાં.
પોલીસે સેજાઝના મૃતદેહને પોસ્ટમોટર્મ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો.
હત્યા પાછળનું કારણ જાણવા પોલીસે તપાસ કરતા પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, મૃતક સેસાઝ તેના ભાઈ અલ્તાફ સાથે નોનવેજની દુકાન ચલાવે છે. તેના મિત્રના પરિવારની મહિલાને શાપર-વેરાવળમાં રહેતા મુકેશ નામના શખ્સના પરિવારની મહિલાઓ સાથે ઝઘડો થયો હતો. આ બે પરિવાર વચ્ચેની મહિલાઓ વચ્ચે થયેલા ઝઘડામાં સેજાઝ મિત્રતાના દાવે સમાધાન માટે ગયો હતો. અને આ બન્ને પરિવાર વચ્ચેના ઝઘડામાં કારણ વગર સેજાઝ વચ્ચે પડતા તેને મોત મળ્યું હતું. મૃતક સેજાઝ બે ભાઈ અને ત્રણ બહેનમાં નાનો હતો તેનો ભાઈ અલ્તાફ તથા બહેન નઝમા તથા કુલસમ બેન બાનુબેન, મોટા છે ત્યારે એજાઝ સૌથી નાનો હતો. તેના થોડા વખત પૂર્વે જ મુસ્કાન સાથે લગ્ન થયા બાદ સેજાઝને હાલ સવા વર્ષનો પુત્ર સુદાન છે. સેજાઝના મોતથી માસુમ પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી છે. શાપર-વેરાવળના મામાદેવના મંદિર પાસે બનેલા હત્યાના બનાવમાં પોલીસે સેજાઝની હત્યા અંગે તેના ભાઈની ફરિયાદના આધારે ગુનો નોંધી હત્યામાં સંડોવાયેલ એક જ પરિવારના ચાર સભ્યોને સકંજામાં લઈ વિશેષ તપાસ શરૂ કરી છે.