ખતરો કે ખીલાડી, સાપને કૃત્રિમ શ્ર્વાસ આપ્યો

ખંભાળિયા નજીકના ધરમપુરના રહેણાક વિસ્તારમાં નેટની ઝાડીમાં ધામણ પ્રજાતિનો એક સાપ લાંબા સમયથી ફસાઈ ગયો હતો. આ સાપ નેટમાં ફસાયેલો હોવાના કારણે તેના શરીર પર…

ખંભાળિયા નજીકના ધરમપુરના રહેણાક વિસ્તારમાં નેટની ઝાડીમાં ધામણ પ્રજાતિનો એક સાપ લાંબા સમયથી ફસાઈ ગયો હતો. આ સાપ નેટમાં ફસાયેલો હોવાના કારણે તેના શરીર પર ગંભીર ઈજાઓ થઈ હતી અને તેની હાલત અત્યંત નાજુક બની હતી. આ અંગેની જાણ સ્થાનિક રહેવાસીઓ દ્વારા અહીંની પશુ-પક્ષી સેવા સંસ્થા એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટને કરવામાં આવતા સંસ્થાના સેવક કુણાલ વાઘેલા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે ભારે જહેમત બાદ નેટની ઝાડીમાં ફસાયેલા સર્પને સાવચેતીપૂર્વક બહાર કાઢ્યો તો.

રેસ્ક્યુ દરમિયાન સર્પની હાલત ગંભીર જણાતા તેને બચાવવા માટે કૃત્રિમ શ્વાસ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મૂર્છિત અવસ્થામાં રહેલા આ સાપમાં જીવનના સંકેતો જળવાઈ રહે તે માટે સેવક દ્વારા સતત પ્રયાસો કરવામાં આવ્યા હતા. વન્યજીવો પ્રત્યેની સંવેદનશીલતા સાથે કરવામાં આવેલી આ કામગીરી દરમિયાન સાપનો જીવ બચાવવા માટે શક્ય તમામ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. સમયસર મળેલી જાણ અને રેસ્ક્યુ ટીમની કામગીરીના કારણે ઘવાયેલા સાપને નેટ તોડીને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો. (તસવીર: કુંજન રાડિયા)