Site icon Gujarat Mirror

ખંભાળિયા: પાઉન્ડની ચોરીના પ્રકરણમાં ફરિયાદીના ભાઈ સહિત ત્રણ ઝડપાયા

ખંભાળિયાના સલાયા ગેઈટ વિસ્તારમાંથી તાજેતરમાં એક રહેણાંક મકાનમાંથી રૂૂ. 95 હજાર જેટલી કિંમતના પાઉન્ડની ચોરી થયાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો હતો. આ પ્રકરણમાં એલસીબી પોલીસે ફરિયાદીના ભાઈ સહિત ત્રણ આરોપીઓને ઝડપી લઈ, મુદ્દામાલ કબજે કર્યો છે. આ સમગ્ર પ્રકરણની વિગત મુજબ અહીંના સલાયા ગેઈટ વિસ્તારમાં રહેતા સહેજાદ નથુભાઈ મીરા નામના યુવાનને તેમના મામા જાઈદ શેખએ થોડા સમય પૂર્વે લંડનથી આવ્યા ત્યારે 800 પાઉન્ડ સાચવવા માટે આપ્યા હતા. જેની ચોરી થતાં આ અંગે ખંભાળિયા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના નવનિયુક્ત એસ.પી. જયરાજસિંહ વાળા તેમજ ઈન્ચાર્જ ડીવાયએસપી સાગર રાઠોડના માર્ગદર્શન હેઠળ દેવભૂમિ દ્વારકા જિલ્લા એલસીબીની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં એલસીબી પી.આઈ. કે.કે. ગોહિલના વડપણ હેઠળ એલસીબીની ટીમ દ્વારા વિવિધ દિશાઓમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.

દરમિયાન એલસીબીના પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી, એ.એસ.આઈ. સજુભા જાડેજા, ડાડુભાઈ જોગલ અને સહદેવસિંહ જાડેજા દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહીમાં આ ચોરી પ્રકરણમાં ફરિયાદીના ભાઈ મહંમદહુસેન નથુભાઈ મીરા તેમજ તેના બે મિત્રો અમનઉલ્લાહ ઈકબાલ શેખ અને આવેશ ઈકબાલ શેખ નામના બે શખ્સો સહિત ત્રણ વ્યક્તિઓની સંડોવણી ખૂલતા એલસીબી પોલીસે તાકીદની કાર્યવાહી કરી, આરોપી મહંમદહુસેન મીરા ઉપરાંત અમનઉલ્લાહ ઈકબાલ અને આવેશ ઈકબાલની અટકાયત કરી, રૂૂ. 94,640 ની કિંમતના 800 પાઉન્ડ તેમજ રૂૂપિયા 10,000 ની કિંમતના બે મોબાઈલ ફોન સહિત 104,640 નો મુદ્દામાલ કબજે કરી, ખંભાળિયા પોલીસને કબજો સોંપવામાં આવ્યો હતો.

Exit mobile version