ભોગ બનનારને સામાજિક, આર્થિક અને માનસિક પુનર્વસન માટે 50 હજારનું વળતર ચુકવવા આદેશ
ખંભાળિયા તાલુકાના બેહ ગામે રહેતા ભાવેશ મુરુ ચાવડા નામના શખ્સ દ્વારા ગત તારીખ 17 નવેમ્બર 2024 ના રોજ રાત્રિના સમયે એક પરિવારની સગીર વયની પુત્રીને લલચાવી, ફોસલાવીને લગ્ન કરવાની લાલચ આપીને આ સગીરાનું પોતાના મોટરસાયકલ પર અપહરણ કરીને લઈ ગયા બાદ તેણી ઉપર અવારનવાર શરીર સંબંધ બાંધી, દુષ્કર્મ ગુજાર્યું હતું.
આ અંગેની નોંધાયેલી પોલીસ ફરિયાદ અન્વયે તપાસનીસ પોલીસ અધિકારી પી.આઈ. બી.જે. સરવૈયા દ્વારા આરોપીની અટકાયત કરી, તેની સામે બીએનએસ તથા પોક્સો એક્ટની જુદી જુદી કલમ હેઠળ કરવામાં આવેલી કાર્યવાહી બાદ અહીંની અદાલતમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યું હતું.
આ કેસ અહીંના એડિશનલ સેશન્સ અને સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ એસ.જી. મનસુરી સમક્ષ ચાલી જતા આ કેસમાં ભોગ બનનાર, મેડિકલ ઓફિસર, તપાસનીસ અધિકારી અને અન્ય મહત્વના સાહેદોની જુબાની સાથે મુખ્ય જિલ્લા સરકારી વકીલ એલ.આર. ચાવડા દ્વારા કરવામાં આવેલી તર્કબધ્ધ દલીલોને ગ્રાહ્ય રાખીને અદાલતે આરોપી ભાવેશ મુરુ ચાવડાને 10 વર્ષની સખત કેદ તથા રૂૂપિયા 15,000 નો દંડ ફટકારતો હુકમ કર્યો છે.
આ પ્રકરણમાં ભોગ બનનારના સામાજિક, આર્થિક અને માનસિક પુનર્વસન માટે રૂૂપિયા 50,000 નું વળતર ચૂકવવા માટે પણ આદેશ કરવામાં આવ્યો છે.
