Site icon Gujarat Mirror

તાલાલા યાર્ડમાં કેસર કેરીની હરાજીનો પ્રારંભ

એશિયાના સૌથી મોટા ગણાતા તાલાલા માર્કેટિંગ યાર્ડમાં વર્ષ 2026ની કેસર કેરીની સિઝનનો વિધિવત પ્રારંભ થયો છે. “ગીરના અમૃત ફળ” તરીકે ઓળખાતી કેસર કેરીની આવક થતા જ યાર્ડમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. તાલાલા યાર્ડના ચેરમેન સંજયભાઈ શિંગાળા અને તાલાલા પાલિકાના પૂર્વ પ્રમુખ અમિતભાઈ ઉનડકટ સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં હરાજીના શ્રીગણેશ કરવામાં આવ્યા હતા. સિઝનના પ્રથમ દિવસે જ ગીર પંથકના અનેક ખેડૂતો પોતાની મહામૂલી કેસર કેરીના બોક્સ લઈને માર્કેટિંગ યાર્ડ પહોંચ્યા હતા.

આ વર્ષની સિઝનની શરૂૂઆત પરોપકારના કાર્ય સાથે થઈ હતી. ભોલેબાબા મેંગો સપ્લાયર્સ પેઢીના સંચાલક કાળુભાઇએ પ્રથમ બોક્સની હરાજી ગૌ માતાના ચારા માટે અનામત રાખી હતી. 10 કિલોનું આ ખાસ બોક્સ પાલિકાના પૂર્વ પ્રમુખ અમિત ઉનડકટે ₹17,000માં ખરીદીને ગૌસેવા માટે અર્પણ કર્યુ હતું.

આ ઉપરાંત કિસાન મેંગો, રામદૂત મેંગો, ભાગ્યોદય મેંગો, ભાગ્યલક્ષ્મી મેંગો અને અર્જુન મેંગો જેવી અન્ય પેઢીઓએ પણ પ્રથમ બોક્સના વેચાણની રકમ ગૌશાળા માટે અર્પણ કરી હતી. આમ, સિઝનના પ્રથમ દિવસે જ કુલ ₹57,000થી વધુની રકમ ગૌસેવા માટે એકત્ર થઈ હતી.

પ્રથમ દિવસે યાર્ડમાં કુલ 10,400 બોક્સ કેરીની આવક નોંધાઈ હતી. જેમાં ઊંચામાં ઊંચો ભાવ ₹1,250, સરેરાશ ભાવ ₹825 તથા નીચામાં નીચો ભાવ ₹450 રહ્યો હતો. ચાલુ વર્ષે સિઝન ગત વર્ષ 26 એપ્રિલ 2025 કરતા સાત દિવસ વહેલી શરૂૂ થઈ છે.

જોકે, કમોસમી વરસાદ અને માવઠાની અસરને કારણે ઉત્પાદનમાં ઘટાડો જોવા મળ્યો છે. ગત વર્ષે પ્રથમ દિવસે 14,500 બોક્સની આવક સામે આ વર્ષે 4,100 બોક્સનો ઘટાડો નોંધાયો છે.

Exit mobile version