ગુજરાત
મોરબી રોડ પર ટ્રકચાલકે એક્ટિવાને ઉલાળતા કર્ણાવતી સ્કૂલના શિક્ષિકાનું મોત
શહેરની ભાગોળે મોરબી રોડ ઉપર જકાતનાકા પાસે પુરપાટ ઝડપે આવતા ટ્રક ચાલકે એક્ટિવાને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. જેમાં સ્કૂટર સવાર કર્ણાવતી સ્કૂલના શિક્ષિકાનું ગંભીર ઈજા થતાં મોત નિપજ્યું હતું. મૃતક શિક્ષિકા રેલનગરમાં આવેલી કર્ણાવતી સ્કૂલમાં પોતાની ફરજ પુરી કરી પરત ઘરે જતા હતા ત્યારે ટ્રક ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.
આ બનાવથી એકના એક પુત્રએ માતાની છત્રછાયા ગુમાવી દેતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી.
જાણવા મળતી વિગત મુજબ જૂના મોરબી રોડ ઉપર આર.કે. ડ્રીમ એપાર્ટમેન્ટમાં રહેતા અને રેલનગરમાં આવેલી કર્ણાાવતી સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા સ્નેહલબેન બ્રિજેશભાઈ પોપટ ઉ.વ.37 નામના શિક્ષિકા આજે બપોરે એક વાગ્યાના અરસામાં સ્કૂલેથી નોકરી પુરી કરી પોતાનું એક્ટિવા લઈ ઘરે જતા હતા ત્યારે મોરબી રોડ ઉપર જકાતનાકા પાસે પહોંચતા પુરઝડપે આવતા ટ્રક ચાલકે એક્ટિવાને ઠોકરે ચડાવતા સ્કટર સવાર સ્નેહલબેન રોડ ઉપર પટકાતા માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજા થઈ હતી. જેથી તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું ટુકી સારવાર દરમિયાન મોત પિજ્યું હતુ.ં
આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી કુવાડવા પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલે દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક સ્નેહલબેનને સંતાનમાં એક પુત્ર હોવાનું અને તેમના પતિ કરિયાણાનો વેપાર કરતા હોવાનું જાણવા મળ્યું છે. તેઓ કર્ણાવતી સ્કૂલમાં ધો. 6 થી 10 ના વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવતા હતાં. આજે સ્કૂલેથી નોકરી પૂરી કરી સ્કૂટર લઈ ઘરે જતા હતા ત્યારે રસ્તામાં પેટ્રોલ પૂરાવ્યા બાદ મોરબી રોડ ઉપર જતા હતા ત્યારે આ ઘટનાબની હતી.
આ બનાવથી પરિવારજનોમાં ભારે શોકની લાગણી છવાઈ જવા પામી હતી. આ અંગે પોલીસે અકસ્માત સર્જનાર ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.