ફિલ્મ મેકર કરણ જોહર ‘અર્થશોટ પ્રાઈઝ ઍવોર્ડ્સ નાઈટ‘નું હોસ્ટિંગ કરવા જઈ રહ્યો છે. તે આ કાર્યક્રમનું સંચાલન કરનાર પ્રથમ ભારતીય કલાકાર બનશે. છઠ્ઠી વાર્ષિક ‘અર્થશોટ પ્રાઈઝ ઍવોર્ડ્સ નાઈટ‘ 17 નવેમ્બર, 2026 ના રોજ મુંબઈમાં યોજાશે. આ પ્રતિષ્ઠિત સમારોહ પહેલી વખત ભારતમાં યોજાઈ રહ્યો છે.ફિલ્મ મેકર તરીકેના તેના કામ ઉપરાંત, તે ‘કોફી વિથ કરણ‘ના હોસ્ટ તરીકે જાણીતો છે. તેણે ‘ધ ટ્રેઈટર્સ‘ના ભારતીય એડપ્ટેશનનું પણ સંચાલન કર્યું છે.
હવે તે મુંબઈમાં ‘અર્થશોટ પ્રાઈઝ‘ સમારોહનું સંચાલન કરશે; આ એક એવો કાર્યક્રમ છે જે પર્યાવરણીય ક્ષેત્રે કામ કરતા ઇનોવેટર્સનું સન્માન કરે છે અને તેમના ઉકેલોને માન્યતા આપે છે. કરણ જોહરે કહ્યું, “અર્થશોટ પ્રાઈઝ ઍવોર્ડ્સ નાઈટને હોસ્ટ કરનાર પ્રથમ ભારતીય બનવું મારા માટે ખૂબ ગર્વની વાત છે. મુંબઈમાં આ જવાબદારી નિભાવવી મારા માટે તેને વધુ વિશેષ બનાવે છે. સિનેમામાં, આપણે નવી દુનિયાની કલ્પના કરીએ છીએ.
આ જ બાબત એચઆરએચ (ઇંછઇં) પ્રિન્સ વિલિયમના વિઝનને ખૂબ વિશેષ બનાવે છે. ‘અર્થશોટ પ્રાઇઝ સમિટ‘ બે દિવસ સુધી ચાલશે, જેમાં પર્યાવરણીય ઉકેલો માટે સહયોગ અને સમર્થનને પ્રોત્સાહન આપવા અંગે ચર્ચા કરવા માટે વિશ્વભરના લીડર્સ, સંશોધકો, ફાયનાન્સર, ઉદ્યોગજગતના અગ્રણીઓ અને સમુદાયો એકત્રિત થશે. આ સમિટ બાદ, 17 નવેમ્બર 2026 ના રોજ છઠ્ઠો ‘અર્થશોટ પ્રાઇઝ ઍવોર્ડ્સ નાઇટ‘ કાર્યક્રમ યોજાશે. આ સમારોહમાં 15 ફાઇનલિસ્ટનું સન્માન કરવામાં આવશે અને વર્ષ 2026 ના પાંચ વિજેતાઓની જાહેરાત કરવામાં આવશે. દરેક વિજેતાને તેમના ઉકેલના વ્યાપને વધારવા અને તેની અસરને વધુ પ્રભાવશાળી બનાવવા માટે 1 મિલિયન પાઉન્ડની રકમ આપવામાં આવશે.
