આંતરરાષ્ટ્રીય
જસ્ટિન ટ્રુડો કેનેડામાં જ ઘેરાયા, 28મી સુધીમાં રાજીનામું આપવા તેના જ સાંસદની માગણી
ભારત સાથે ચાલી રહેલા રાજદ્વારી વિવાદ વચ્ચે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો પોતાના જ ઘરમાં હવે ઘેરાઇ ગયા છે. ટ્રુડોની પાર્ટીના સાંસદોએ તેમને ચોથી ટર્મ માટે ચૂંટણી ન લડવા અને પદ પરથી રાજીનામું આપવા કહ્યું છે. એટલું જ નહીં, લિબરલ પાર્ટીના સાંસદોએ ટ્રુડો માટે આ અંગે નિર્ણય લેવા માટે 28 ઓક્ટોબરની સમયમર્યાદા નક્કી કરી હતી. કેટલાક સાંસદોએ તો એમ પણ કહ્યું કે જો ટ્રુડોએ 28 ઓક્ટોબર સુધીમાં પદ છોડવાનો નિર્ણય નહીં લીધો તો તેમને ગંભીર પરિણામો ભોગવવા પડશે.
કેનેડામાં જસ્ટિન ટ્રુડો અને તેમની પાર્ટીની લોકપ્રિયતામાં ભારે ઘટાડો થયો છે. આ જ કારણ છે કે ટ્રુડો પર વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. તાજેતરમાં જસ્ટિન ટ્રુડોએ તેમની પાર્ટીના નેતાઓ સાથે બેઠક પણ કરી હતી. આ મીટિંગ પછી ટ્રુડોએ કહ્યું હતું કે લિબરલ પાર્ટી મજબૂત અને એકજૂથ છે, પરંતુ પાર્ટીના 20 સાંસદોએ અલગ જ વાત કહી. હકીકતમાં, 20 સાંસદોએ પત્ર લખીને ટ્રુડોને પીએમ પદ પરથી રાજીનામું આપવાની માંગ કરી છે. આ સાંસદોએ આગામી ચૂંટણી પહેલા ટ્રુડોના રાજીનામાની માંગણી કરી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેનેડાની લિબરલ પાર્ટીના સાંસદ કેન મેકડોનાલ્ડનું કહેવું છે કે નતેમણે સાંભળવાનું શરૂૂ કરવું જોઈએ અને લોકોને સાંભળવું જોઈએ.થ કેર મેકડોનાલ્ડ પણ એવા 20 સાંસદોમાં સામેલ છે જેમણે ટ્રુડોને પદ પરથી હટાવવાની માંગ કરતો પત્ર લખ્યો છે. મેકડોનાલ્ડે કહ્યું કે તે આગામી ચૂંટણી નહીં લડે. આનું કારણ જણાવતા તેમણે કહ્યું કે આનું કારણ લિબરલ પાર્ટીની ઘટી રહેલી લોકપ્રિયતા છે.
ઉલ્લેખનીય છે કે જસ્ટિન ટ્રુડોએ સંકેત આપ્યા છે કે તેઓ ચોથી ટર્મ માટે પણ પોતાનો દાવો રજૂ કરશે. જોકે, ટોરોન્ટો અને મોન્ટ્રીયલ એમ બે જિલ્લાઓમાં યોજાયેલી ખાસ ચૂંટણીમાં ટ્રુડોની પાર્ટી લિબરલ્સને હારનો સામનો કરવો પડ્યો છે.
જે બાદ ટ્રુડોની નેતૃત્વ ક્ષમતા પર સવાલો ઉઠી રહ્યા છે. તાજેતરના સર્વેમાં પણ ટ્રુડોની લિબરલ પાર્ટી વિપક્ષી ક્ધઝર્વેટિવ પાર્ટી કરતા પાછળ છે.