આંતરરાષ્ટ્રીય

કેનેડામાં ખાલિસ્તાની સમર્થકોની હાજરી હોવાનું કબૂલતા જસ્ટિન ટ્રુડો

Published

on

તમામ ખાલિસ્તાની સમગ્ર શીખ સમુદાયનું પ્રતિનિધિત્વ કરતા નથી, તમામ હિન્દુઓ મોદીના ફેન નથી: ટ્રુડો

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ કેનેડામાં ખાલિસ્તાની સમર્થકોની હાજરીનો સ્વીકાર કર્યો છે. ટ્રુડોએ કહ્યું કે, આ લોકો કેનેડામાં સમગ્ર શીખ સમુદાયનું પ્રતિનિધિત્વ કરતા નથી. તેમનું નિવેદન ભારતના સ્ટેન્ડને યોગ્ય ઠેરવે છે જેમાં ભારતે આરોપ લગાવ્યો હતો કે કેનેડા સરકાર ખાલિસ્તાની તરફી તત્વોને આશ્રય આપી રહી છે.
તેમણે કહ્યું કે, કેનેડામાં ખાલિસ્તાનના સમર્થકો છે, પરંતુ તેઓ શીખ સમુદાયનું પ્રતિનિધિત્વ કરતા નથી. તેવી જ રીતે, કેનેડામાં મોદી સરકારના સમર્થકો છે, પરંતુ તેઓ તમામ હિન્દુ કેનેડિયનોનું પ્રતિનિધિત્વ કરતા નથી. ઓટાવામાં પાર્લામેન્ટ હિલ ખાતે દિવાળીની ઉજવણી દરમિયાન ભારતીય સમુદાયને સંબોધિત કરતી વખતે તેમણે આ નિવેદન આપ્યું હતું. ટ્રુડોના આ નિવેદનથી ભારત અને કેનેડા વચ્ચે વધી રહેલા રાજદ્વારી તણાવ વચ્ચે સ્થિતિ વધુ જટિલ બની ગઇ છે.


જસ્ટિન ટ્રુડોએ હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટોની સંડોવણી હોવાનો આક્ષેપ કર્યો ત્યારે તણાવ શરૂૂ થયો. આ ઘટના જૂન 2023માં બની હતી. બ્રિટિશ કોલંબિયામાં ગુરુદ્વારાની બહાર ગોળીબારમાં નિજ્જરની હત્યા કરવામાં આવી હતી.


સપ્ટેમ્બર 2023માં કેનેડા અને ભારત વચ્ચેના સંબંધો વધુ ખરાબ થયા હતા. કેનેડાએ નિજ્જરની હત્યાની તપાસમાં ભારતીય હાઈ કમિશનરને રુચિ ધરાવનાર વ્યક્તિ ગણાવ્યા હતા. જવાબમાં, ભારતે આ આરોપને સખત રીતે નકારી કાઢ્યો અને કેનેડા સાથેના તેના સંબંધોને વધુ ઠંડા કર્યા. ઓટાવામાં ભારતીય હાઈ કમિશનરને પાછા બોલાવ્યા અને છ કેનેડિયન રાજદ્વારીઓને હાંકી કાઢ્યા.


ભારતના વિદેશ મંત્રાલયે ધણી વખત કહ્યું છે કે કેનેડાની સરકારે નિજ્જરની હત્યામાં ભારતની સંડોવણીના કોઈ નક્કર પુરાવા શેર કર્યા નથી. ભારતે આ અંગે વારંવાર માહિતી માંગી હતી. મંત્રાલયે વડા પ્રધાન ટ્રુડો પર વોટ બેંકની રાજનીતિમાં સામેલ હોવાનો પણ આરોપ મૂક્યો અને કહ્યું કે કેનેડાની સરકારે તેની ધરતી પર ખાલિસ્તાની તત્વો સાથે વ્યવહાર કરવા માટે પૂરતા પગલાં લીધાં નથી. ભારત અને કેનેડા વચ્ચે આ તણાવ વધી રહ્યો છે. ખાલિસ્તાની ગતિવિધિઓને લઈને બંને દેશોના સંબંધોમાં વધુ ગૂંચવણો આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version