મે 2027 પછીના ફોજદારી કેસોમાં ત્રણ વર્ષમાં ન્યાય: શાહ

કેન્દ્ર સરકારે સામાન્ય જનતાને ન્યાય મેળવવા માટે અદાલતોના અનંત આંટાફેરા મારવાની મુશ્કેલીમાંથી મુક્ત કરવા માટે એક મહત્વાકાંક્ષી લક્ષ્ય નક્કી કર્યું છે. એક એવી વ્યવસ્થા વિકસાવવામાં…

કેન્દ્ર સરકારે સામાન્ય જનતાને ન્યાય મેળવવા માટે અદાલતોના અનંત આંટાફેરા મારવાની મુશ્કેલીમાંથી મુક્ત કરવા માટે એક મહત્વાકાંક્ષી લક્ષ્ય નક્કી કર્યું છે. એક એવી વ્યવસ્થા વિકસાવવામાં આવી રહી છે જેના દ્વારા મે 2027 પછી નોંધાયેલા ફોજદારી કેસોમાં, દોષિત ઠરેલી વ્યક્તિઓને ત્રણ વર્ષની અંદર સજા સંભળાવી શકાય.
આ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે, પોલીસ તપાસ અને સરકારી વકીલની કાર્યવાહીથી લઈને અદાલતી કાર્યવાહી સુધીની સમગ્ર પ્રક્રિયાને ડિજિટલ માધ્યમથી જોડવામાં આવી રહી છે. આનાથી ફોજદારી તપાસ અને ન્યાયિક કાર્યવાહીમાં થતા બિનજરૂૂરી વિલંબને અટકાવી શકાશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે દહેરાદૂનમાં રિઝર્વ પોલીસ લાઇન્સ ખાતે, ઉત્તરાખંડ પોલીસને ’પ્રેસિડેન્ટ્સ પોલીસ કલર’ (રાષ્ટ્રપતિ પોલીસ ધ્વજ) અર્પણ કરવાના સમારોહ દરમિયાન આ જાહેરાત કરી હતી.

ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે ત્રણ નવા ફોજદારી કાયદાઓનો ઉદ્દેશ્ય માત્ર કાયદામાં સુધારો કરવાનો જ નથી, પરંતુ દેશની ફોજદારી ન્યાય પ્રણાલીને આધુનિક, પારદર્શક અને સમયબદ્ધ બનાવવાનો છે. ટેકનોલોજી અને ફોરેન્સિક વિજ્ઞાનનો ઉપયોગ તપાસની ગુણવત્તામાં સુધારો કરશે અને ન્યાય આપવામાં થતા વિલંબને ઘટાડશે. પોલીસ, સરકારી વકીલ પક્ષ અને ન્યાયતંત્ર વચ્ચેનો ડિજિટલ સમન્વય આ પરિવર્તનમાં એક મહત્વપૂર્ણ કડી સાબિત થશે.