Site icon Gujarat Mirror

જંગલેશ્વર ડિમોલિશન : બાબુઓનો ‘મહેફિલે દાવત’નો ખર્ચ 46.71 લાખને આંબી જશે

‘હાઇ ટી’, કાજુ કતરી-ખજૂર રોલ સાથે રજવાડી ભોજનના રૂ.27.20 લાખ ઉપરાંત પાણી સહિત બીજા 19.10 લાખના ‘ગુપ્ત ખર્ચા’ તો હજુ સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરી માટે આવવાના બાકી છે

‘પ્રજાના ખર્ચે તાગડધીન્ના’ રાજકોટ મનપાના અધિકારીઓ અને શાસકો બન્નેને આ ઉક્તિ શબ્દસહ: લાગુ પડતી હોય તેવા આમતો અઢળક દાખલાઓ છે. પણ તંત્રને ફટ કહેવાનું મન થાય તેવી તંત્રવાહકોની વરવી, દાનત પણ બહાર આવી હતી. જેના માથેથી છત છીનવાતી હોય એને જ ખબર પડે કે એ પીડા કેવી હોય. જંગલેશ્વર ડિમોલિશન વખતે આવા જ કાળજુ કંપાવી નાખે તેવા દ્રશ્યો ઠેર ઠેર જોવા મળતા હતા. બેઘર થતા પરિવારોનું ચોતર આક્રંદ હતુ. અસરગ્રસ્તોના ગળે પાણી પણ ઉતરતુ ન હતુ ત્યારે મનપા સહિતના સરકારી બાબુઓ કાજુ કતરી, ખજુર રોલ સહિત રજવાડી ભોજન ઝાપટતા હતા. મોંઘીદાટ ચાની ચુસ્કી લેવાતી હતી, ગટાગટ લીંબુ સોડા સહિતના ઠંડાપીણા પીવાતા હતા. રૂૂ.27.20 લાખના ખર્ચે આ મિજબાની માણવામા આવી હતી. આ ખર્ચ તો સતાવાર સ્ટેન્ડીંગ કમિટીમાં મુકાયો હતો એ છે એ સિવાયના બીજા 19.10 લાખના ગુપ્ત ખર્ચાઓ પણ રહી રહીને પ્રગટ થયા છે.

મિનરલ વોટર, ખીરશી-સોફા સાથે મંડણ ઉભા કરવામા આવ્યા હતા તે સમિયાણાનો બીજો રૂૂ.19.10 લાખનો ખર્ચ તો હજુ સુધી મંજૂરી માટે આવ્યો નથી. એ આવ્યા પછી જંગલેશ્વર ડિમોલિશન વખતે થયેલી જિયાફત રૂૂ.46.31 લાખને આંબી જવાની છે.રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગત ફેબ્રુઆરી માસમાં જંગલેશ્ર્વરમાં કરાયેલા મેગા ડિમોલિશન દરમિયાન ફરજ પરના અધિકારીઓ અને કર્મચારીઓના ચા કોફીથી માંડીને સ્પેશયલ લંચડીશ, મસાલા છાશ અને કાજુ કતરી ખજુર રોલ સહિતની મિઠાઇનના રૂૂ. 27 લાખ ઉપરાંતના બીલને સ્ટેન્ડિંગ ચેરમેન પરેશ પીપળીયાએ શંકાસ્પદ ગણીને અટકાવ્યા બાદ હવે નવો વિવાદ ઉભો થવાની શક્યતા છે. સ્ટેન્ડિંગ કમિટીમાં રજુ કરાયેલા રૂૂપિયા 27 લાખના બીલમાં બે દિવસનો મીનરલ વોટરનો ખર્ચ સામેલ કરાયો નથી કે મંડપ સર્વિસનો ખર્ચ સામેલ કરાયો નથી. ડિમોલિશનની કામગીરી દરમિયાન મિનરલ વોટર અને મંડપ સર્વિસનો કોન્ટ્રાક્ટ ઉમિયાજી મંડપ સર્વિસ એન્ડ ડેકોરેશનને આપવામાં આવ્યો હતો.

આમાં તા. 22ના રોજ રૂૂ.3,41,376, તા. 24ના રોજ 20,828, જ્યારે તા.26ના રોજ 6,58,368 અને તા. 27ના રોજ 48,786 મળીને પાંચ દિવસ દરમિયાન અધિકારીઓ રૂૂ. 12,40,028નું મિનરલ વોટર ગટગટાવી ગયા છે !
આ સિવાય ડિમોલિશન સાઇટ અને શેઠ હાઇસ્ક્ૂલ સ્થિત કંન્ટ્રોલરૂૂમમાં મંડપ સુવિધા ઉભી કરવામાં આવી હતી. જેનો ખર્ચ રૂૂ. 6,70,678 થયો છે. આશ્ર્ચર્યજનક રીતે સ્ટેન્ડિંગ કમિટીમાં ડિમોલિશન દરમિયાન અધિકારીઓએ જંગલેશ્ર્વરમાં ઉજવેલી ‘મહેફિલે દાવત’ના રૂૂ. 27 લાખના ખર્ચ સાથે મિનરલ વોટર અને મંડપ સર્વિસનો ખર્ચ દર્શાવાયો નહોતો. જો સ્ટેન્ડિંગ કમિટીમાં બીલ કોઇ વિવાદ વગર મંજૂર થઇ જાય તો પછી બીજી સ્ટેન્ડિંગમાં મિનરલ વોટર અને મંડપ સર્વિસનો ખર્ચ મંજૂર કરવાની દરખાસ્ત રજુ કરવાનો ઇરાદો અધિકારીઓનો હતો.

મંડપનો રેટ કોન્ટ્રાક્ટ પૂરો થઇ જવા છતાં બારોબાર 6.70 લાખનું કામ અપાયું
મોટી રકમનો કદડો કરવાની આ આખી ગોઠવણમાં વહીવટી ચતુરાઈ વાપરવામાં આવી છે. ચા-પાણી, નાસ્તો અને જમવાની વ્યવસ્થા આરોગ્ય શાખા હસ્તક હતી. જેથી તેનું 27 લાખનું બિલ વહેલું દરખાસ્તમાં આવી ગયું હતું. જ્યારે, મિનરલ વોટર અને મંડપ સર્વિસની જવાબદારી સાંસ્કૃતિક વિભાગની હતી. સાંસ્કૃતિક વિભાગે હજુ સુધી આ દરખાસ્ત કમિટી સમક્ષ શા માટે મૂકી નથી તે પણ પ્રશ્ર્ન વિવાદ ઉભો કરે તેમ છે. બીજી બાજુ ઉમિયા મંડપ સર્વિસના વર્ક ઓર્ડરની મુદત પુરી થઇ ગઇ હોય નવો રેટ કોન્ટ્રાક્ટ ન થાય ત્યાં સુધી આ કામગીરી ઉમિયા મંડપ સર્વિસને જ કેમ આપી? એ પણ એક અહમ સવાલ છે.

ભાજપના ફાયરબ્રાન્ડ મનપાના પૂર્વ નેતા વિનુભાઇ ધવાએ પણ ખોલ્યો મોરચો
મનપાની આ નવી ટર્મમાં જેમને કટ ટુ સાઇઝ કરવામા આવ્યા હતા તે ભાજપના ફાયર બ્રાન્ડ નેતા અને પૂર્વ ડેપ્યુટી મેયર વિનુભાઇ ઘવાએ પણ જંગલેશ્વર ડિમોલિશન જિયાફતના મામલે મોરચો ખોલ્યો છે. તેમણે તો સ્પષ્ટ શબ્દોમાં કહી દીધુ છે કે, આટલુ મોટુ બીલ હોય જ નહીં. અહીં 100 ટકા કૌભાંડ જ થયુ છે. વિનુભાઇએ દાવા સાથે કહ્યુ હતુ કે, અમે પણ રાહત રસોડા ખોલ્યા હતા. વધીને 40 હજારનો ખર્ચ થયો હતો. આટલા અધધધ ખર્ચ પાછળ મોટા પાયે ભ્રષ્ટાચારનો કદડો થયો છે.

આરોગ્ય અધિકારી ઉવાચ, ‘કાજુ-કતરી અને ખજૂર રોલ પ્રેસવાળા ખાઇ ગયા’
જંગલેશ્ર્વર ડિમોલિશન દરમિયાન કાજુ કતરી અને ખજુરરોલ, સમોસા વેફર સહિતની મીજબાની મુદ્દે આરોગ્ય અધિકારી ડો. જયેશ વંકાણીએ એવો લૂલો બચાવ ર્ક્યો હતો કે, જંગલેશ્ર્વર ડિમોલિશનની કામગીરી પુર્ણ થયા બાદ તા. 25મીએ મ્યુનિસિપલ કમિશનર દ્વારા ડિમોલિશનની વિગતો આપવા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું આમાં શહેરના 150થી પણ વધુ મિડીયા કર્મચારીઓ હાજર રહ્યા હતા. તેમના બ્રેકફાસ્ટ માટે 150 નંગ કાજુ કતરી ખજૂરપાક સમોસા વેફર સહિતની વાનગીઓ મંગાવવાં આવી હતી. તેનો ખર્ચ સ્ટેન્ડિંગ કમિટીમાં દર્શાવાયો છે.

Exit mobile version