ગામડે બનતું નવું મકાન જોવા જતા જૂનાગઢના દંપતીનું અકસ્માતમાં મોત

વંથલી ટીનમસ ગામ પાસે કાર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા બાઇક સવાર જૂનાગઢના દંપતીનું મોત નિપજ્યું હતું. પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી તપાસ…

વંથલી ટીનમસ ગામ પાસે કાર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા બાઇક સવાર જૂનાગઢના દંપતીનું મોત નિપજ્યું હતું. પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. મૂળ ટીનમસ ગામના અને જૂનાગઢમાં ઝાંઝરડા રોડ, ગોરી પીર મસ્જિદની બાજુમાં આવેલ ગુલઝાર સોસાયટીમાં રહેતા અને ખેતી કામ કરતા 33 વર્ષીય જાબીરભાઈના પિતા અબ્દુલ્લાભાઈ ઇબ્રાહિમભાઈ સીડા અને માતા જેબુનીશાબેન અબ્દુલ્લાભાઈ સીડા શુક્રવારે સવારે પોતાનું જીજે 11 સીએ 3967 નંબરનું બાઈક લઈને જુનાગઢથી ટીનમસ ગામે જવા નીકળ્યા હતા.

જ્યારે દંપતી ટીનમસ ગામ પાસે ઓનેસ્ટ હોટલ ની બાજુમાં આવેલ નેશનલ હાઈવે રોડ પરથી પસાર થઈ રહ્યા હતા તે વખતે પૂર ઝડપે આવી રહેલી જીજે 06 કેપી 1677 નંબરની કારના ચાલકે બાઈકને જોરદાર ઠોકર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે અબ્દુલ્લાભાઈને માથાના પાછળના ભાગે તેમજ પગમાં અને જેબુનીશાબેનને કપાળ તથા હાથના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી અને શરીરના અન્ય ભાગે નાની-મોટી ઇજાઓ થતાં બંનેનું મોત થયું હતું. અકસ્માતની ઘટના અંગે મૃતકના પુત્ર જાબીરભાઈ અબ્દુલ્લાભાઈ સીડાની ફરિયાદ લઈ વંથલી પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

જૂનાગઢ રહેતા અબ્દુલ્લાભાઈ સીડા અને તેમના પત્ની જેબુનીશાબેન પોતાના મૂળ ગામ ટીનમસ ખાતે બની રહેલા નવા મકાને જઈ રહ્યા હતા. પરંતુ નિયતિને કંઈક જુદું જ મંજૂર હતું. કાળ બનીને આવેલી કારે દંપતીને કચડી નાખતા મૃતકના પરિવારજનો અને ગામમાં શોક વ્યાપી ગયો છે.