ગુજરાત
રાજકોટમાં પત્રકારના યુવાન પુત્રનો ડેન્ગ્યુએ લીધો ભોગ, શોકની લાગણી
ચાર દિવસની સારવાર દરમિયાન 21 વર્ષીય યુવાને હોસ્પિટલના બિછાને દમ તોડતા પરિવારમાં કલ્પાંત
રાજકોટ સહિત રાજ્યભરમાં રોગચાળાએ માથુ ઉચક્યુ હોય તેમ દરરોજ રોગચાળાથી અનેક માનવ જીંદગી કાળના ખપ્પરમાં હોમાઈ રહી છે. ત્યારે રાજકોટમાં સીટીન્યુઝના સિનિયર પત્રકારના 21 વર્ષનાપુત્રનું ડેંગ્યુની બિમારી સબબ મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે કરુણ કલ્પાંત સર્જાયો છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં આજીડેમ ચોકડી પાસે આવેલા શ્રીરામપાર્કમાં રહેતા અને સીટીન્યુઝમાં સિનિયર પત્રકાર તરીકે ફરજ બજાવતા લલીતભાઈ વ્યાસના પુત્ર અમન લલીતભાઈ વ્યાસ ઉ.વ.21ને ડેંન્ગ્યુની બિમારી સબબ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
જ્યાં તેની તબિયત નાજુક જણાતા વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેનીસારવાર કારગત નિવડે તે પૂર્વે જ યુવાને હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી.
પ્રાથમિક પુછપરછમાં મૃતક અમન વ્યાસના પિતા લલીતભાઈ વ્યાસ સીટીન્યુઝમાં સિનિયર પત્રકાર તરીકે ફરજ બજાવે છે અને મૃતક અમન બે ભાઈ એક બહેનમાં મોટો હતો. યુવાન પુત્રના મોતથી વ્યાસ પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. આ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.