કૌભાંડો છૂપાવવા પત્રકારોને બોર્ડ રૂમમાં નો-એન્ટ્રી, પ્રેક્ષક ગેલેરીની પાછળ બેસાડાયા

કોર્પોરેટરોનો અવાજ મીડિયા સુધી પહોંચતો અટકાવવાનો કારસો રાજકોટ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ એ લોકશાહીનું પ્લેટફોર્મ એટલે કે, સંસદીય પ્રક્રિયા માટેનું હોય છે. જ્યા જાહેરમાં સારા-નરસાની ચર્ચા…

કોર્પોરેટરોનો અવાજ મીડિયા સુધી પહોંચતો અટકાવવાનો કારસો

રાજકોટ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ એ લોકશાહીનું પ્લેટફોર્મ એટલે કે, સંસદીય પ્રક્રિયા માટેનું હોય છે. જ્યા જાહેરમાં સારા-નરસાની ચર્ચા થાય છે. પરંતુ રાજકોટ મનપાના ઇતિહાસમાં જનરલ બોર્ડની અંદર લોકશાહીના આધારસ્તંભ એવી ચોથી જાગીરને જનર બોર્ડમાં હાંસિયામાં ધકેલી કૌભાંડોને છુપાવવા માટેનો કારસો રચાયો છે. આજે જનરલ બોર્ડમાં પત્રકારોને બોર્ડ રૂૂમમાં નો-એન્ટ્રી ફરમાવી પાછળ પ્રેક્ષક ગેલેરીમાં બેસાડવા સભા અધ્યક્ષ મેયર ડો.નેહલ શુકલના ઇશારે ફરજ પાડવામા આવી હતી. અત્યાર સુધી મનપાના જનરલ બોર્ડમાં પ્રિન્ટ મીડિયાના પત્રકારો તેમજ ઇલેક્ટ્રિક મીડિયાના કર્મીઓને સભાગૃહના સ્ટેજ પાસે જગ્યા ફાળવવામા આવી હતી. પરંતુ આજના જનરલ બોર્ડમાં મીડિયા માટે સભાગૃહની છેક પાછળ પ્રેક્ષક ગેલેરીમાં ખુરશીઓ મુકીને ત્યા ચાલ્યા જવાનો વટહુકમ સભા અધ્યક્ષ મેયર ડો.નેહલ શુક્લના ઇશારે કરવામા આવ્યો હતો.

જનરલ બોર્ડમાં જનતાની સમસ્યાને લઇને આવતા નગરસેવકોનો અવાજ હોય છે. વિવિધ સમસ્ય અને પ્રશ્નોની જાહેરમાં ચર્ચા થાય છે. આ ચર્ચા દરમિયાન કેટલાક છુપા કૌભાંડોના પણ પર્દાફાશ થાય છે અને ક્યાંકને ક્યાંક તેનો સીધો રેલો અધિકારીઓ ઉપર સતાપક્ષને પણ અચુક આવતો જ હોય છે. આ બધુ ઢાંકવા માટેના જ જાણે હવાતિયા હોય તેમ જનરલ બોર્ડમાં હવેથી મીડિયાને પ્રેક્ષક ગેલેરીમાં બેસવાનું તેવો ઘરની ધોરાજી જેવો નિયમ સભા અધ્યક્ષ મેયર ડો.નેહલ શુક્લએ અમલી બનાવી નાંખ્યો છે. આજે સભા ચાલુ થઇ ત્યારે પ્રશ્નોતરીમાં ચાલુ ચર્ચાએ જ મેયરે માર્સલ(સુરક્ષાકર્મીઓ)ને એવો હુકમ કર્યો હતો કે, મીડિયાકર્મીઓને પ્રેક્ષક ગેલેરીમાં જવા માટેની વ્યવસ્થા કરો.