ખંભાળિયાના જીતેન્દ્ર કણજારીયાની રાજ્યસભાના સાંસદ તરીકે શપથવિધિ

ખંભાળિયાના સતવારા જ્ઞાતિના અગ્રણી જીતેન્દ્રભાઈ કણજારીયાની તાજેતરમાં રાજ્યસભાના સાંસદ તરીકેની બિનહરીફ નિયુક્તિ થઈ છે. ત્યારે ગઈકાલે સોમવારે સવારે દિલ્હી ખાતેના સંસદ ભવનમાં તેમણે સંસદ સભ્ય…

ખંભાળિયાના સતવારા જ્ઞાતિના અગ્રણી જીતેન્દ્રભાઈ કણજારીયાની તાજેતરમાં રાજ્યસભાના સાંસદ તરીકેની બિનહરીફ નિયુક્તિ થઈ છે. ત્યારે ગઈકાલે સોમવારે સવારે દિલ્હી ખાતેના સંસદ ભવનમાં તેમણે સંસદ સભ્ય તરીકેના શપથ ગ્રહણ કર્યા હતા.

ગુજરાત રાજ્યમાં ભાજપના 4 આગેવાનોને રાજ્યસભાના સાંસદ પદના ઉમેદવાર તરીકે પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવ્યા બાદ આ માટે અન્ય કોઈ ઉમેદવાર ન હોવાથી આ તમામ ઉમેદવારો રાજ્યસભાના સાંસદ તરીકે બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ખંભાળિયાના રહીશ અને સતવારા જ્ઞાતિના અગ્રણી કાર્યકર જીતેન્દ્રભાઈ મેઘજીભાઈ કણજારીયાનો સમાવેશ થાય છે.

ત્યારે સોમવારે સવારે દિલ્હીમાં સંસદ ભવન ખાતે જીતેન્દ્રભાઈ કણજારીયાએ સવારે 11:30 વાગ્યે વિધિવત રીતે ઉપરાષ્ટ્રપતિ ડો. સી.પી. રાધાકૃષ્ણનની ઉપસ્થિતિમાં શપથ ગ્રહણ કર્યા હતા. આ સમયે હાલાર પંથકના લોકસભાના સાંસદ પૂનમબેન માડમ, ખંભાળિયાના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ શપથ ગ્રહણ સમારોહ વખતે જીતેન્દ્રભાઈ કણજારીયાના ધર્મપત્ની ચંદનબેન કણજારીયા, અહીંના સતવારા સમાજના અગ્રણી અને પૂર્વ જિલ્લા મહામંત્રી શૈલેષભાઈ કણજારીયા, રાજુભાઈ વ્યાસ, દેવરાજભાઈ ચોપડા, સંજયભાઈ નકુમ, ચીમનભાઈ નકુમ, રાકેશભાઈ, જીતેન્દ્રભાઈ, પ્રકાશભાઈ સોની વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ સહિત તમામ આગેવાનો, ઉપસ્થિતોએ તેમને શુભકામનાઓ પાઠવી હતી.