અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ચીન પર 145 ટકા ટેરિફ લાદવામાં આવ્યા બાદ ચીને પણ વળતો જવાબ આપ્યો છે. ચીને અમેરિકન ઉત્પાદનો પર ટેરિફ 84 ટકાથી વધારીને 125 ટકા કરવાની જાહેરાત કરી છે. આ વધારાનો ટેરિફ 12 એપ્રિલથી લાગુ થશે.
ચીનના નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે 12 એપ્રિલથી ચીનમાં અમેરિકન ઉત્પાદનો પરનો ટેરિફ 84 ટકાથી વધીને 125 ટકા થશે. આ સંદર્ભે જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે જો અમેરિકા આ રીતે ચીનના હિતોને કચડી નાખતું રહેશે તો અમે છેલ્લા શ્વાસ સુધી પ્રતિક્રિયા આપીશું. ચીનનો આ નિર્ણય ટ્રમ્પના તે આદેશ બાદ આવ્યો છે, જેમાં અમેરિકાએ ચીની ઉત્પાદનો પર ટેરિફ વધારીને 145 ટકા કર્યો હતો.
આ પહેલા, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ચીન પર 145 ટકા ટેરિફ લાદવામાં આવ્યા બાદ ચીનના રાષ્ટ્રપતિએ પહેલી વાર પ્રતિક્રિયા આપી છે. તેમણે સ્પષ્ટ જવાબ આપતા કહ્યું કે આ વેપાર યુદ્ધમાં કોઈ જીતશે નહીં.
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે અમેરિકા સાથેના વેપાર યુદ્ધ પર પોતાની પહેલી પ્રતિક્રિયા આપતા કહ્યું કે તેમનો દેશ ડરવાનો નથી. બેઇજિંગમાં સ્પેનના વડા પ્રધાન પેડ્રો સાંચેઝ સાથે વાત કરતા જિનપિંગે કહ્યું કે આ વેપાર યુદ્ધમાં કોઈ જીતશે નહીં. દુનિયાની વિરુદ્ધ જઈને તમે ફક્ત તમારી જાતને અલગ પાડશો.
તેમણે કહ્યું કે 70 વર્ષમાં ચીને પોતાની મહેનતના બળ પર વિકાસ કર્યો છે. અમે કોઈના દબાણ સામે ઝૂકવાના નથી. જિનપિંગે યુરોપિયન યુનિયનને અમેરિકાના આ એકપક્ષીય ગુંડાગીરી સામે એક થવા વિનંતી કરી. શી જિનપિંગે અમેરિકા સાથે વધતા વેપાર યુદ્ધ વચ્ચે ચીન અને EU વચ્ચે સહયોગ વધારવા પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે ચીન અને યુરોપે તેમની આંતરરાષ્ટ્રીય જવાબદારીઓ નિભાવવી જોઈએ અને આ એકપક્ષીય ગુંડાગીરીનો સંયુક્ત રીતે જવાબ આપવો જોઈએ.