જેતપુરમાં વ્યાજખોર દ્વારા વેપારી અને તેના પિતાને ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. વેપારી એ ધંધા માટે તેમજ બહેનના લગ્ન અને માતાની હોસ્પિટલની સારવાર માટે નાણાંની જરૂરિયાત ઊભી થતાં માસિક ઊંચા વ્યાજે લીધેલા રૂપિયા 24 લાખ સામે રૂ. 41 લાખ જેટલું વ્યાજ ચૂકવી દીધું હોવા છતાં, આરોપીએ વધુ 24 લાખ રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી બળજબરીથી ચેકો પડાવી લઈ જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો.
માહિતી અનુસાર, જેતપુરના જાગૃતિ નગર, શ્રીજી પ્રોવિઝન સ્ટોર આગળ રહેતા અને મામલતદાર કચેરી પાસે અશોક શોઈંગ મશીન નામની દુકાન ચલાવતા 38 વર્ષીય અશોકભાઈ દીપચંદભાઈ રાઠોડે જેતપુરના જયેશ દિનકરરાય ભૂત સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ માર્ચ-2018 થી માર્ચ-2021 દરમિયાન પોતાના ધંધા-રોજગારના વિકાસ, બહેનના લગ્નપ્રસંગ તથા માતાના દવાખાનાના સારવાર ખર્ચ માટે મોટા પ્રમાણમાં નાણાંની જરૂરિયાત ઊભી થઈ હતી. આ આર્થિક ખેંચતાણ દરમિયાન તેમની મુલાકાત જેતપુરમાં સ્પેશિયલ સ્કૂલ પાસે, કેદાર થાળ વાળી શેરીમાં રહેતા જયેશભાઈ દીનકરરાય ભૂત સાથે થઈ હતી. જયેશભાઈ ભૂતે અશોકભાઈને માસિક 2 ટકાના ઊંચા વ્યાજદરે વ્યાજદરે લીધા હતા. જેનું તેઓ નિયમિતપણે દર મહિને રૂ. 48,000 વ્યાજ ચૂકવતા હતા. દરમિયાન, ફરિયાદીની મોટી બહેનને પતિ સાથે અણબનાવ બનતાં તે પોતાના ત્રણ બાળકો સાથે ફરિયાદીના ઘરે રહેવા આવી ગઈ હતી.
પરિવારનું ભરણપોષણનો બોજ વધતાં અશોકભાઈ સમયસર વ્યાજ ચૂકવી શક્યા નહોતા. આથી આરોપી જયેશ ભૂતે અશોકભાઈ અને તેમના પિતા દીપચંદભાઈને ગાળો આપી ઉઘરાણી શરૂ કરી હતી. સને 2024માં આરોપી જયેશ ભૂત વેપારીની દુકાને ધસી આવ્યો હતો અને ગાળો આપી મૂળ રકમ તથા વ્યાજ તાત્કાલિક આપી દેવા દબાણ કર્યું હતું. વેપારીના પિતાએ સમય માંગતા આરોપીએ બળજબરીથી તેમની પેઢીના એચ.ડી.એફ.સી. બેંકના 3 ચેક તથા એ.યુ. સ્મોલ ફાઇનાન્સ બેંકના 3 ચેક માં રૂ. 4-4 લાખની રકમ ભરાવી, ફરિયાદીના પિતાની બળજબરીથી સહી કરાવી લીધી હતી. જો 15 દિવસમાં પૈસા નહીં આપે તો બાપ-દીકરા બંનેના હાથ-પગ ભાગી નાખવાની ધમકી આપી હતી.
મે-2025માં ફરિયાદીના બહેનોઈનું રાજસ્થાન ખાતે ખાણમાં પડી જવાથી મૃત્યુ થતાં પરિવાર વતનમાં ગયો હતો. તે સમયે વ્યાજખોર જયેશ ભૂતે સતત ફોન કર્યા હતા. ફરિયાદી ફોન ઉપાડી ન શકતાં, આરોપીએ મેસેજમાં તારી બેબી કેટલા વર્ષની છે, તેને અહિયાં મોકલી આપ… વ્યાજ વસૂલ કરી લઈશ, જો તે નાની હોય તો તારી ભાણીને મોકલી દે જેવા લખાણો મોકલ્યા હતા. વેપારી પાસે આ તમામ મેસેજના સ્ક્રીનશોટ અને ઓડિયો રેકોર્ડિંગ પુરાવા રૂપે પોલીસને આપ્યા હતા. રૂ. 24 લાખના બદલામાં અત્યાર સુધીમાં રૂ. 41,00,000 જેટલું વ્યાજ મેળવી લીધા પછી પણ આરોપી ધરાયો નહોતો. દસેક દિવસ પહેલાં આરોપી દુકાને આવીને રૂ. 24 લાખની માંગણી કરવા લાગ્યો હતો અને વેપારીના ગલ્લામાંથી બે દિવસના વેપારના રોકડા રૂ. 5,000 પણ બળજબરીથી આંચકી ગયો હતો. અંતે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો હતો.
