ગુજરાત
જાથા V/S ભૂદેવો: બ્રાહ્મણોની હેરાનગતિના વિરોધમાં ભૂદેવો મેદાને
અમારો વિરોધ સરકારી કચેરીઓમાં કરાતા ધાર્મિક કાર્યક્રમોનો છે: જયંત પંડ્યા
સત્યનારાયણ ભગવાનની કથા બંધ કરાવવી દુ:ખદ: બ્રહ્મઅગ્રણી હેમાંગ રાવલ
શહેરમાં જાથાના જયંત પંડયા અને બ્રહ્મઅગ્રણી હેમાંગ રાવલ સહીતના ભુદેવો આમને સામને આવી ગયા છે. જાથા સરકારી કચેરીમાં ધાર્મિક કાર્યક્રમોનો વિરોધ કરે છે. જયારે ભુદેવોનો આક્ષેપ છે કે જાથાના ઓઠા તળે જયંત પંડયાએ ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચાડવા કરેલા પ્રયત્નને સાંખી લેવાય તેવો નથી.
શહેરના શાપર (વે) નજીકના પારડી ગામી વીજતંત્રની કચેરીમાં અધિકારીઓ, કર્મચારીઓએ શ્રી સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કર્યું હતું. ત્યારે સરકારી કચેરીઓમાં ધાર્મિક કાર્યક્રમોનો અગાઉ વિરોધ કરી ચુકેલા જાથાના જયંત પંડયાએ તેમની ટીમ મોકલી કથા બંધ કરાવતા ભુદેવોમાં રોષ ફાટી નિકળ્યો છે.
આ બાબતે સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજના ટ્રસ્ટી અને વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશનના ચેરમેન હેમાંગ રાવલે જણાવ્યું હતું કે તેઓની સંસ્થા અંધશ્રધ્ધાનો હંમેશા વિરોધ કરે છે પણ ધાર્મિક આસ્થાને સન્માન આપે છે.
પારડી ખાતે વીજ કચેરીમાં ચાલતી શ્રી સત્યનારાયણ ભગવાનની કથા જાથાએ બંધ કરાવતા આ વાત દુ:ખદ અને વખોડવા લાયક છે. એટલું જ નહીં જાથાના જયંત પંડયાએ કથા બંધ કરાવી બ્રહ્મસમાજ અને હિન્દુ ધર્મનું અપમાન કર્યું છે. ધર્મની આસ્થાને ઠેંસ પહોંચાડનાર જયંત પંડયા સામે બ્રહ્મસમાજને સાથે રાખી કાયદાકીય કાર્યવાહી કરવા હેમાંગ રાવલે ચીમકી આપી છે.
બીજી બાજુ જાથાના જયંત પંડયાએ પારડીની વીજકંપનીની પેટા કચેરીમાં કથા જેવા ધાર્મિક આયોજનનો વિરોધ કરી કથા બંધ કરાવી, સંબંધીત જવાબદાર વીજ કર્મચારીઓએ સસ્પેન્ડ કરવાની માંગણી કરી છે.
જયંત પંડયાએ ફોન પર ગર્ભિત ધમકી આપ્યાની હેમાંગ રાવલની રાવ
બ્રહ્મઅગ્રણી હેમાંગ રાવલે જણાવ્યું હતું કે, પારડીમાં કથા બંધ કરાવી બ્રાહ્મણને હેરાન કરવાની વાતમાં તથ્ય જાણવા જાથાના જયંત પંડયાને કોલ કરતા તેમણે શાંતિથી વાત કરૂ છું ત્યાં સુધી સારૂ છે તેવી ગર્ભિત ધમકી આપી હતી. ત્યારે ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડનાર જયંત પંડયા સામે કાયદેસરની કાર્યવાહી કરવા ભુદેવો મેદાને આવશે તેવું હેમાંગ રાવલે જણાવ્યું હતું.
વિવાદ બાદ જાથા દ્વારા કાળીચૌદશે જાગૃતિ કાર્યક્રમો નહીં યોજવા જાહેરાત
તાજેતરમાં રાજકોટથી રાજકોટથી નજીક આવેલ પારડી વિજ કચેરીમાં કામકાજના દિવસે સમયે સત્યનારાયણ કથાનું આયોજન હોય, વિજકર્મીની માહિતીના આધારે વિજ્ઞાન જાથાની ટીમ રૂૂબરૂૂ પહોંચતા અને સરકારી કચેરીમાં આ પ્રકારના ધાર્મિક કાર્યક્રમો ગોઠવી શકાય નહિ તેવી વાત કરતા ડે. ઈજનેરે સ્વેચ્છાએ નિર્ણય કરી કથાનું આયોજન બંધનો નિર્ણય કર્યો હતો. તેવી હકિકત જાણવા છતાં સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજના ટ્રસ્ટીએ વિવાદ ઉભો કરતા કાળીચૌદશના તમામ કાર્યક્રમો પડતા મુકી બંધની જાહેરાત કરવામાં આવે છે. તહેવારમાં લોકોમાં અસંમજસ ઉભો ન થાય તે માટે નિર્ણય કરવામાં આવ્યો છે.
જાથાના ચેરમેન એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે છેલ્લા 33 વર્ષમાં 4 ચાર વખત મારા ઉપર માત્ર ને માત્ર અમુક બ્રહ્મસમાજના આગેવાનો પ્રેરિત હુમલા થયા હતા. વર્ષ 2018 માં બ્રહ્મનેતાના ઈશારે હુમલો કરી જયંત પંડયાનો હાથ ભાંગી નાખ્યો હતો. જેની ફરિયાદ માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં હોય આજ દિન સુધી હુમલો કરનાર આરોપીઓ પકડાયા નથી તે કડવી વાસ્તવિકતા છે. દેશની એકપણ જ્ઞાતિએ મારા ઉપર હુમલો કે ઉગ્ર વિરોધ કર્યો નથી. વિરોધ કરનાર અને જયંત પંડયાને સર્વ સમાજ ઓળખે છે. જાથા મીશનથી સતત કામ કરે છે. જાથા ઉપર એકપણ કેસ નથી. જાથાના કાર્યકારો સ્વાર્થ, લાભ વગર જનજાગૃતિમાં કામ કરે છે. આડકતરો કદી લાભ લીધો નથી. ’જાથા’ માં માત્ર મનુષ્ય-માણસની ઓળખ છે. કયારેય જ્ઞાતિવાદ, જાતિવાદ, કોમવાદને સ્થાન નથી. આજ દિન સુધી રૂૂપિયા એકસો, પ્રલોભન કે એકપણ પ્રકરણમાં ઢાંકપિછોડ કર્યો હોય તેવો દાખલો કે નામ આપી શકતું નથી. બુધવાર તા. 30 મીની કાળી ચૌદશના તમામ જનજાગૃતિ, કુરિવાજો, ગેરમાન્યતા દૂર કરવાના જાથાના કાર્યક્રમો પડતાની સાથે બંધની જાહેરાત કરાઇ છે.