T-20ના ડેબ્યુ મેચમાં જ 4 બોલમાં 4 વિકેટ ઝડપી જમસેદે ઇતિહાસ રચ્યો

  ટી-20 ક્રિકેટમાં હેટ્રિક લેવી કોઈ પણ બોલર માટે ખાસ સિદ્ધિ હોય છે, પરંતુ આ ખેલાડીએ પોતાની ડેબ્યૂ મેચમાં જ એવું કારનામું કરી બતાવ્યું કે…

 

ટી-20 ક્રિકેટમાં હેટ્રિક લેવી કોઈ પણ બોલર માટે ખાસ સિદ્ધિ હોય છે, પરંતુ આ ખેલાડીએ પોતાની ડેબ્યૂ મેચમાં જ એવું કારનામું કરી બતાવ્યું કે ક્રિકેટ જગતમાં તેની ચર્ચા થવા લાગી છે. રેલવેના આ 23 વર્ષીય ફાસ્ટ બોલરે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં સૌરાષ્ટ્ર સામે સતત ચાર બોલમાં ચાર વિકેટ લઈને ઇતિહાસ રચ્યો છે. ટી-20 ક્રિકેટમાં આ સિદ્ધિ મેળવનાર તે ત્રીજો ભારતીય બોલર બની ગયો છે. એટલું જ નહીં, તેણે માત્ર 9 બોલમાં પાંચ વિકેટ લઈને પોતાનું ડેબ્યૂ યાદગાર બનાવી દીધું છે. પુરુષોની ઝ20 ક્રિકેટમાં ડેબ્યૂ મેચમાં પાંચ વિકેટ લેનાર તે છઠ્ઠો ભારતીય બોલર પણ બની ગયો છે.

ઇન્દોરમાં રમાયેલી આ મેચમાં રેલવેએ પહેલાં બેટિંગ કરતાં 5 વિકેટે 182 રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી સૌરાષ્ટ્રની ટીમને 23 વર્ષના જમશેદ આલમે પોતાની પહેલી જ ઓવરમાં મુશ્કેલીમાં મૂકી દીધી હતી. ઇનિંગ્સની ચોથી ઓવરમાં તેણે હર્વિક દેસાઈ, પ્રેરક માંકડ, રુચિત અહીર અને સમ્મર ગજ્જરને સતત ચાર બોલમાં આઉટ કર્યા હતા. જોતજોતામાં સૌરાષ્ટ્રની ટીમ મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. ત્યાર બાદ જમશેદે પોતાની આગલી ઓવરમાં સિદ્ધાર્થ રાણાને પણ પેવેલિયન ભેગો કર્યો અને પોતાની પાંચ વિકેટ પૂરી કરી હતી. તેણે કુલ 3.5 ઓવરમાં 38 રન આપીને 5 વિકેટ ઝડપી હતી.

ટી-20 ક્રિકેટમાં સતત ચાર બોલમાં ચાર વિકેટ લેવાનું કારનામું જમશેદ આલમ પહેલાં ભારતના માત્ર બે જ બોલર કરી શક્યા હતા. કર્ણાટકના અભિમન્યુ મિથુને નવેમ્બર 2019માં હરિયાણા સામે આ સિદ્ધિ મેળવી હતી. ત્યાર બાદ વિદર્ભના દર્શન નાલકંડેએ નવેમ્બર 2021માં કર્ણાટક સામે સતત ચાર બોલમાં ચાર વિકેટ ઝડપી હતી. ખાસ વાત એ છે કે આ બંને બોલરોએ પોતપોતાની ઇનિંગ્સની છેલ્લી ઓવરમાં આ સિદ્ધિ મેળવી હતી, જ્યારે જમશેદે ઇનિંગ્સની શરૂૂઆતમાં જ આવું કારનામું કરી બતાવ્યું હતું.