જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીના મત ગણતરીના પ્રારંભ સાથે જ ભાજપની અવિરત આગેકુચ જોવા મળી રહી છે. શરૂઆતનો ટ્રેન્ડ જોતા મહાપાલિકામાં ફરી ભાજપ શાસન નિશ્ર્ચિત મનાઈ રહ્યું છે.
સૌપ્રથમ જાહેર થયેલા વોર્ડ નંબર 5 અને વોર્ડ નંબર 9ના પરિણામોમાં ભાજપે પ્રભાવશાળી જીત મેળવી છે. આ બંને વોર્ડમાં ભાજપના તમામ ઉમેદવારો વિજેતા બનતા આખી પેનલ જીતેતા થઈ ગઈ છે, વધુ એક વોર્ડમાં ભાજપે શાનદાર પ્રદર્શન કરતાં વોર્ડ નંબર 13માં આખી પેનલ વિજેતા બની છે. આ વોર્ડમાં વિરોધ પક્ષના અગ્રણીઓમાંના એક ધવલ નંદા ચૂંટણી મેદાનમાં હતા, છતાં તેમને પરાજયનો સામનો કરવો પડ્યો છે. ભાજપના ઉમેદવારોે મજબૂત પ્રદર્શન કરીને ક્લીન સ્વીપ નોંધાવ્યો છે, જે પાર્ટી માટે વધુ એક મોટી જીત તરીકે જોવામાં આવી રહી છે.
જે પાર્ટી માટે મજબૂત શરૂૂઆત માનવામાં આવી રહી છે. મતગણતરીના પ્રારંભિક તબક્કામાં જ ભાજપનો દબદબો સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. આ વિજયી પ્રારંભ સાથે ભાજપના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ છવાયો છે અને આગળના પરિણામોને લઈને પણ આશાવાદ વધ્યો છે.જામનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી માટે આજે વહેલી સવારે ઈવીએમ મશીનો રાખવામાં આવેલ સ્ટ્રોંગ રૂૂમ ખોલવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ચૂંટણી અધિકારીઓ, ઉમેદવારો અને તેમના પ્રતિનિધિઓની હાજરીમાં કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે સ્ટ્રોંગ રૂૂમનું સીલ ખોલવામાં આવ્યું હતું.
સીલ ખોલ્યા બાદ તમામ ઈવીએમ મશીનોને નિયમિત પ્રક્રિયા મુજબ બહાર કાઢી, અલગ-અલગ ગણતરી વિભાગોમાં પહોંચાડવાની કામગીરી શરૂૂ કરવામાં આવી હતી. સમગ્ર પ્રક્રિયા દરમિયાન સુરક્ષાકર્મીઓની ચુસ્ત વ્યવસ્થા રાખવામાં આવી હતી.મતગણતરી પ્રયિામાં પારદર્શિતા જળવાઈ રહે તે માટે નિરીક્ષકો અને ઉમેદવારોના પ્રતિનિધિઓને પણ અંદર પ્રવેશ આપવામાં આવ્યો હતો, જેથી તેઓ સમગ્ર કામગીરી પર નજર રાખી શકે.ચૂંટણી તંત્ર દ્વારા તમામ કાર્યવાહી નિર્ધારિત નિયમો અને માર્ગદર્શિકા મુજબ હાથ ધરવામાં આવી રહી છે, અને મતગણતરી શાંતિપૂર્ણ તેમજ વ્યવસ્થિત રીતે પૂર્ણ થાય તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવી છે.
ભાજપે રચ્યો ઇતિહાસ, લઘુમતી બહુમતી વાળા વોર્ડમાં ક્લિન સ્વિપથી કોંગ્રેસને ભારે ઝટકો
કોંગ્રેસનો ગઢ તૂટ્યો, શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા પરાજિત
જામનગર મહાનગર પાલિકાની ચૂંટણીમાં આ વખતે ભાજપ માટે ઐતિહાસિક પરિણામ સામે આવ્યું છે. ખાસ કરીને લઘુમતી બહુલ માનવામાં આવતા વોર્ડમાં ભાજપે પ્રથમ વખત ક્લીન સ્વીપ નોંધાવી મોટી રાજકીય હલચલ મચાવી છે.
આ વોર્ડમાં વર્ષોથી કોંગ્રેસનો મજબૂત દબદબો રહ્યો હતો અને ભાજપ અહીં પોતાનું ખાતું પણ ખોલાવી શકતું નહોતું. પરંતુ આ વખતની ચૂંટણીમાં પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. મતદારોમાં ભાજપ તરફ ભારે ઝોક જોવા મળ્યો હતો, જેના પરિણામે આખી પેનલ વિજેતા બની છે.
આ વોર્ડમાં જામનગર શહેર કોંગ્રેસના પ્રમુખ દિગુભા જાડેજા પોતે મેદાનમાં ઉતર્યા હતા. લઘુમતી વિસ્તાર હોવાને કારણે તેઓ આ સીટને સુરક્ષિત માનતા હતા, પરંતુ પરિણામે તેમને કરારી હારનો સામનો કરવો પડ્યો છે. ભાજપની આ જીતને મોટા અપસેટ તરીકે જોવામાં આવી રહી છે, જ્યારે કોંગ્રેસ માટે આ પરિણામ ભારે ઝાટકા સમાન છે. સમગ્ર શહેરમાં આ પરિણામ ચર્ચાનો વિષય બન્યું છે, અને ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
