જયપુરના રાજવી પરિવારના ‘સુપર કોમ્પ્યુટર’ની બુધવારે લંડનમાં હરાજી

જયપુરના શાહી સંગ્રહના સૌથી કિંમતી વૈજ્ઞાનિક વારસામાંથી એક 17મી સદીનું વિશાળ ’એસ્ટ્રોલેબ’ (ખગોળીય ગણતરી યંત્ર) આગામી 29 એપ્રિલે લંડનના સોથબી હરાજી ગૃહમાં વૈશ્વિક બોલી માટે…

જયપુરના શાહી સંગ્રહના સૌથી કિંમતી વૈજ્ઞાનિક વારસામાંથી એક 17મી સદીનું વિશાળ ’એસ્ટ્રોલેબ’ (ખગોળીય ગણતરી યંત્ર) આગામી 29 એપ્રિલે લંડનના સોથબી હરાજી ગૃહમાં વૈશ્વિક બોલી માટે તૈયાર છે. પિત્તળમાંથી બનેલા આ અદભૂત યંત્રને નિષ્ણાતો તેની બહુમુખી ક્ષમતાઓને કારણે તે સમયનું ’સુપર કોમ્પ્યુટર’ અને ’પ્રાચીન સ્માર્ટફોન’ ગણાવી રહ્યા છે.

સોથબીના ’ઈસ્લામિક એન્ડ ઇન્ડિયન આર્ટ’ વિભાગના પ્રમુખ બેનેડિક્ટ કાર્ટરે આ યંત્રને અત્યાર સુધીનું સૌથી વિશાળ અને દુર્લભ ખગોળીય ઉપકરણ ગણાવ્યું છે. આના ઐતિહાસિક મૂળ જયપુરના પૂર્વ મહારાજા સવાઈ માનસિંહ દ્વિતીયના ખાનગી સંગ્રહ સાથે જોડાયેલા છે. મહારાજાના અવસાન બાદ આ યંત્ર તેમના પત્ની અને વિશ્વ પ્રસિદ્ધ મહારાણી ગાયત્રી દેવી પાસે રહ્યું હતું, જ્યાંથી તે સમય જતાં એક ખાનગી સંગ્રહનો ભાગ બન્યું. હવે પહેલીવાર તેને જાહેર મંચ પર પ્રદર્શિત અને હરાજ કરવામાં આવી રહ્યું છે.

ટેકનોલોજી અને વૈજ્ઞાનિક દ્રષ્ટિથી આ યંત્ર તે સમયની કળાનું શિખર છે. તેનું વજન 8.2 કિલોગ્રામ અને ઊંચાઈ લગભગ 46 સેન્ટિમીટર છે, જે સામાન્ય એસ્ટ્રોલેબ કરતા ચાર ગણું મોટું છે. તેની દુર્લભતા અને શાહી જોડાણને જોતા નિષ્ણાતોનો અંદાજ છે કે, આ 1.5થી 2.5 મિલિયન પાઉન્ડ (લગભગ 15 થી 25 કરોડ રૂૂપિયા) વચ્ચે વેચાઈ શકે છે.

આ યંત્રની સૌથી મોટી વિશેષતા તેનું ’ઓલ-ઈન-વન’ ગેજેટ છે. આના દ્વારા 17મી સદીમાં ખગોળશાસ્ત્રીઓ સૂર્યોદય-સૂર્યાસ્તનો સમય, તારાઓની ચોક્કસ સ્થિતિ, કોઈ કૂવાની ઊંડાઈ અને ઈમારતોની ઊંચાઈ માપી શકતા હતા. આ ઉપરાંત તેનો ઉપયોગ મક્કાની દિશા નક્કી કરવા અને પંચાંગની મદદથી સચોટ કુંડળીઓ તૈયાર કરવા માટે પણ કરવામાં આવતો હતો.

સાંસ્કૃતિક રીતે આ યંત્ર મુઘલ યુગના ભારતની મિશ્ર વારસાનો જીવંત પુરાવો છે. તેને 17મી સદીની શરૂૂઆતમાં લાહોર (હવે પાકિસ્તાન)ના પ્રખ્યાત ’લાહોર સ્કૂલ’ના બે ભાઈઓ કાયમ મુહમ્મદ અને મુહમ્મદ મુકીમે બનાવ્યું હતું. આ યંત્ર પર તારાઓના નામ ફારસીમાં લખેલા છે, જેની બરાબર બાજુમાં તેના સંસ્કૃત નામો દેવનાગરી લિપિમાં લખવામાં આવ્યા છે. આ તે સમયગાળામાં વિજ્ઞાન અને સંસ્કૃતિના અદભૂત સમન્વયને દર્શાવે છે.

આ એસ્ટ્રોલેબ લાહોરના તત્કાલીન પ્રશાસક આકા અફઝલ માટે ખાસ તૈયાર કરવામાં આવ્યું હતું, જેઓ મુઘલ સમ્રાટ જહાંગીર અને શાહજહાંના શાસનકાળમાં ઉચ્ચ હોદ્દા પર તૈનાત હતા. તેમાં 94 શહેરોના અક્ષાંશ અને રેખાંશ સાથે 38 તારાઓના પોઈન્ટ આપવામાં આવ્યા છે, જે આજે પણ એટલા સચોટ છે કે કોઈપણ ખગોળીય પદાર્થની ઊંચાઈની એકદમ સાચી ડિગ્રી જણાવી શકે છે. દુનિયાભરના સંગ્રહાલયો અને ખાનગી સંગ્રહકર્તાઓ આ અનોખા વૈજ્ઞાનિક વારસાને મેળવવા માટે ઉત્સુક છે.