ઇરાન પરમાણુ અંગે મંત્રણા કરવા તૈયાર, અમેરિકા સમક્ષ મૂકી 5 શરતો

યુદ્ધનો તાત્કાલિક અંત, આર્થિક પ્રતિબંધો દૂર અને નુકસાની ભરપાઇ કરવાની શરત, હોર્મુઝનો દાવો યથાવત ઈરાન અને અમેરિકા વચ્ચે પરમાણુ કાર્યક્રમને લઈને ચાલી રહેલો વિવાદ હવે…

યુદ્ધનો તાત્કાલિક અંત, આર્થિક પ્રતિબંધો દૂર અને નુકસાની ભરપાઇ કરવાની શરત, હોર્મુઝનો દાવો યથાવત

ઈરાન અને અમેરિકા વચ્ચે પરમાણુ કાર્યક્રમને લઈને ચાલી રહેલો વિવાદ હવે નિર્ણાયક વળાંક પર પહોંચ્યો છે. ઈરાને સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી તેની 5 મુખ્ય શરતો પૂરી કરવામાં નહીં આવે, ત્યાં સુધી તે પરમાણુ ડીલ પર કોઈ પણ પ્રકારની ચર્ચાને આગળ વધારશે નહીં. ઈરાનની સૌથી પહેલી અને મોટી શરત એ છે કે તમામ મોરચે ચાલી રહેલા યુદ્ધનો તાત્કાલિક અંત લાવવામાં આવે. આ ઉપરાંત, ઈરાને તેના પર લાદવામાં આવેલા તમામ આર્થિક પ્રતિબંધો હટાવવાની અને વિદેશી બેન્કોમાં ફ્રીઝ કરવામાં આવેલી તેની અબજોની સંપત્તિને મુક્ત કરવાની માંગ કરી છે.

તેહરાને અમેરિકા સામે એવી પણ માંગણી કરી છે કે યુદ્ધ દરમિયાન ઈરાનને જે કંઈ પણ આર્થિક નુકસાન થયું છે, અમેરિકાએ તેની સંપૂર્ણ ભરપાઈ કરવી પડશે. જોકે, સૌથી મોટો પેચ ’સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ને લઈને ફસાયો છે. ઈરાન ઈચ્છે છે કે આ મહત્ત્વના દરિયાઈ માર્ગ પર તેના સાર્વભૌમ અધિકારને સ્વીકારવામાં આવે. આ એક એવી માંગ છે જેનાથી બંને દેશો વચ્ચે ખેંચતાણ વધી શકે છે, કારણ કે આ રસ્તો વૈશ્વિક ઓઇલ વેપાર માટે અત્યંત મહત્ત્વનો છે.

આ ગંભીર સ્થિતિ વચ્ચે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આજે બુધવારે ચીનની મુલાકાતે જઈ રહ્યા છે. એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે આ પ્રવાસ દરમિયાન ઈરાન-અમેરિકા યુદ્ધ રોકવા માટે કોઈ મોટી પહેલ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, 28 ફેબ્રુઆરીએ અમેરિકા અને ઈઝરાયલ દ્વારા ઈરાનના પરમાણુ કાર્યક્રમને નિશાન બનાવીને હુમલા શરૂૂ કરવામાં આવ્યા હતા. હાલમાં ભલે અસ્થાયી સીઝફાયર હોય, પણ બંને પક્ષોના કડક વલણને જોતા કાયમી ઉકેલની શક્યતા ઓછી દેખાઈ રહી છે.

આ સમગ્ર વિવાદનું મૂળ ઈરાનનો પરમાણુ કાર્યક્રમ છે. જ્યાં ઈરાન પહેલા પ્રતિબંધો હટાવવા અને નુકસાનની ભરપાઈ પર અડગ છે, ત્યાં અમેરિકાનું વલણ યુરેનિયમ સંવર્ધન બાબતે અત્યંત કડક છે. અમેરિકાની સ્પષ્ટ માંગ છે કે ઈરાન તેનો યુરેનિયમનો જથ્થો દેશની બહાર મોકલી દે અને પોતાના દેશમાં તેનું ઉત્પાદન સંપૂર્ણપણે બંધ કરે. હવે આખા વિશ્વની નજર અમેરિકન પ્રમુખની ચીન મુલાકાત અને ઈરાનના આ નવા વલણ પર ટકેલી છે.